મોરબીના જેતપર મચ્છુની સરકારી હોસ્પિટલમાં એક પ્રસૂતા ક્રિટિકલ હાલતમાં આવી હતી. જેના ગર્ભમાં ઉંધુ બાળક હોવાથી માતા અને બાળક ઉપર જોખમ હતું. પણ તબીબે ગંભીર પરિસ્થિતિમાં આવેલી આ પ્રસુતાની સૂઝબૂઝથી નોર્મલ ડિલિવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો.
દેવળીયા ગામના પૂજાબેનને પ્રસવ પીડા ઉપડતાં 108ને કોલ કરવામાં આવ્યો હતો. 108ની ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, ગર્ભમાં રહેલું બાળક ઉંધી પોઝિશનમાં છે અને માતાની સ્થિતિ ખૂબ જ ક્રિટિકલ હતી.. જેથી 108ના ઈએમટી અશ્વિનભાઈ મકવાણા અને પાયલોટ સતિષ દવેએ જેતપર મચ્છુના ડોક્ટર રાહુલ પરમાર સાથે વાત કરી ઘટનાની વિગતો જણાવી હતી. જેથી રાહુલ પરમારે પ્રસુતાને લઈને જેતપર મચ્છુ આવવા જણાવ્યું હતું. તેથી 108ની ટીમ પ્રસુતાને લઈને જેતપર મચ્છુ સરકારી હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં હાજર ડોક્ટર રાહુલ પરમાર અને સ્ટાફ નર્સ નિકીતાબેન ડામોરે ભારે જહેમત અને સુઝબુઝથી પ્રસુતાની નોર્મલ ડિલિવરી કરાવી હતી અને માતા અને બાળકને નવજીવન આપ્યું હતું.
