મોરબી : ભારતનાં પાકિસ્તાન સામે આતંકવાદનાં વિરોધમાં ભારતીય સેનાની ત્રણે પાંખના સૈનિકો દ્વારા અપાયેલ મુંહ તોડ જવાબ “ઓપરેશન સિંદુર” નાં શૌર્યતાસભર સાહસને બિરદાવવા ભારતભરમાં “તિરંગા યાત્રા” દ્વારા લોકો પણ સૈનિકોમાં ઉત્સાહ વધારી રહ્યાં છે. સાહસ, શૌર્ય અને પરાક્રમનાં આ ગુણો બાળકોમાં પણ ઉતરે, દેશ પ્રેમમાં વધારો થાય એ હેતુસર લાલબાગ ઉપનગર પરશુરામ વસ્તીમાં ચાલતાં “ગૌતમ બુદ્ધ બાલ સંસ્કાર કેન્દ્ર” નાં બાળકો દ્વારા ગઈકાલે સાંજે ભારતમાતા પુજન,તિરંગા યાત્રા અને બૌદ્ધ નગરમાં આવેલ બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ સહિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનાં અતિથિ વિશેષ વિશ્વ હિન્દુ પરિષદનાં મોરબી જિલ્લા સહમંત્રી એડવોકેટ પુષ્પરાજસિંહ જાડેજા તથા સેવા વિભાગ શિક્ષા આયામ સંયોજક લલિતભાઈ પાન્ડેજી દ્વારા ભારત માતા પૂજન કરી યાત્રાનો નારા સાથે ઉર્જામય વાતાવરણમાં પ્રારંભ કરાવ્યો હતો. સંસ્કાર કેન્દ્રનાં બાળક જયરાજ વિક્રમભાઈ ટુંડીયા દ્વારા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પ હાર તથા જિલ્લા સેવા પ્રમુખ લાલજીભાઈ કુનપરા તથા સ્થાનિક અગ્રણીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી આખાં વિસ્તારમાં લોકો દ્વારા ભારત માતા તથા બાળકો પર પુષ્પવર્ષા કરી આયોજનને વધાવી લીધું હતું. કાર્યક્રમનું આયોજન કેન્દ્રના વાલી વિક્રમભાઈ ટુંડીયા તથા સંચાલક ગૌરીબેન ટુંડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં અંતે બધાં જ બાળકોને નાસ્તો અને ચોકલેટ અનન્યાબેન કુનપરા દ્વારા કરાવવામાં આવ્યો હતો.

