મોરબી મહાપાલિકામાં નવા ભળેલા મહેન્દ્રનગર વિસ્તારની મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ વેળાએ સ્થાનિકોના પ્રશ્નો સાંભળી વહેલી તકે તેનો ઉકેલ લાવવાની ખાતરી પણ અપાઈ હતી.
મહેન્દ્રનગર ગામે અનેક પ્રશ્નોથી સ્થાનિકો પીડાઈ રહ્યા હોય મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને ડેપ્યુટી કમિશનર સંજય સોની તેમજ ક્લસ્ટર 3ના અધિકારીઓએ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. આ તકે મહેન્દ્રનગર ગામવાસીઓએ અનેક સમસ્યાનું નિરાકરણ જલ્દી મળે આ રૂપે ગ્રામજનો તથા આગેવાન કેતન બોપલિયા, અલ્પેશભાઇ ઓડિયા, દિપકભાઈ અંદરપા સહિતનાઓએ મ્યુ.કમિશ્નરને રજૂઆત કરી હતી. આ વેળાએ સ્થાનિકોએ બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિક સમસ્યા હોવાનું જણાવ્યું હતું. જેના નિરાકરણ માટે સર્કલ બનાવવાનું પણ સૂચન આપ્યું હતું.
વધુમાં સ્થાનિકોએ રજુઆતમાં જણાવ્યું કે અહીં ગટર અને રોડના પ્રશ્ન પણ છે. વધુમાં પીવાના પાણીની 7 mldની જરૂરિયાત છે. જેની સામે હાલ માત્ર 4.5 mld પાણી જ આપે છે. આ રજૂઆતો અધિકારીઓ દ્વારા સાંભળવામાં આવી હતી. અને તેના નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી.

