હળવદ : પ્રેમ પ્રકરણમાં યુવતીને ભગાડી જવા મામલે ગઈકાલે હળવદ તાલુકાના સુરવદર ગામે યુવાનના ભાઈનું અપહરણ કરવા આવેલ આઠથી નવ શખ્સોએ વચ્ચે છોડાવવા પડેલા યુવાનના કાકા સહિતના લોકો ઉપર જીવલેણ હુમલો કરતા આધેડ કાકાનું મૃત્યુ થતા હત્યાના આ બનાવમાં રાયધ્રા અને શક્તિનગરના ચાર શખ્સો તેમજ અજાણ્યા પાંચ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
હળવદના સુરવદર ગામે રહેતા ફરિયાદી કિરણભાઈ કરશનભાઇ ધામેચા ઉ.23 નામના યુવાને આરોપી વિશાલ રમેશ કોળી, શામજી રણછોડ કોળી, સાગર રણછોડ કોળી રહે.રાયધ્રા તા.હળવદ અને આશિષ બાબુ કોળી રહે.શક્તિનગર તા.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરિયાદીનો ભાઈ મનોજ આરોપી વિશાલની બેનને ભગાડી ગયો હોય જેનો ખાર રાખી આરોપીઓ સુરવદર ગામે આવ્યા હતા અને બળજબરીથી કિરણભાઈનું અપહરણ કરી કારમાં લઈ જતા તેમને છોડાવવા માટે કાકા ચંદુભાઈ રાઘવજીભાઈ ધામેચા સહિતના કુટુંબીજનો વચ્ચે પડતા આરોપીઓએ છરી, ધોકાના ઘા મારતા ચંદુભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ચંદુભાઈના પુત્ર જયેશને માથામાં છરીના ઘા ઝીકી, ફરિયાદીના બહેન સંજનાને હાથમાં ધોકા મારી આરોપીઓએ ફરિયાદીના ભાઈ સાહેદ જયસુખભાઈને પીઠના ભાગે ધોકા મારી ઇજાઓ પહોંચાડી નાસી ગયા હતા. હત્યાના આ બનાવમાં પોલીસે ચાર આરોપીઓ વિરુદ્ધ નામ જોગ તેમજ અન્ય પાંચ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
