મોરબી : રેતીચોરીના હબ ગણાતા મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચાડધ્રા ગામમાં ખાણખનીજ વિભાગે પાડી નદીના પટ્ટમાં રેતીચોરી કરી રહેલા એક લોડર મશીન, એક ડમ્પર અને બે ટ્રેક્ટરો સહિત રૂપિયા 55 લાખનો મુદામાલ કબ્જે કરી રેતીચોરી કરનારા તમામ ઈસમો વિરુદ્ધ ગુજરાત મીનરલ્સ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોટેશન એન્ડ સ્ટોરેજ એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જિલ્લા કલેકટર અને ખાણખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરના માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેકટર રાહુલ જી. મહેશ્વરી સહિતની ટીમે હળવદ તાલુકાના ચાડધ્રા ગામે નદીના પટ્ટ વિસ્તારમાં દરોડો પાડી સાદી રેતી ખનીજનું બિન અધિકૃત રીતે ખનન કરનાર મુકેશભાઇ ભરવાડની માલિકીનું જોન ડિયર કંપનીનું એક લોડર, એક ખાલી ડમ્પર નંબર જીજે-13-એડબલ્યુ-7234, એક ખાલી હાલતમાં બ્લૂ કલરનું સ્વરાજ 735 એફઈ ટ્રેક્ટર માલિક ગેલાભાઈ રમેશભાઈ કવાડીયા, રહે. મયૂરનગર તેમજ એક ખાલી હાલતમાં બ્લૂ કલરનું સ્વરાજ ટ્રેક્ટર કે જેમના માલિક નીતિનભાઈ ધનજીભાઇ કોળી, રહે.દેવળીયા વાળાના રૂપિયા 55 લાખની કિંમતના વાહનો કબ્જે કરી સાદી રેતી ખનીજ ના બિન અધિકૃત ખનન કરવા બદલ હળવદ પોલીસની કસ્ટડીમાં મુકાવી ખનીજ ચોરી ની માપણી કરી આરોપીઓ વિરુધ્ધ ગુજરાત મીનરલ્સ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનીંગ, ટ્રાન્સપોટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ-2017 મુજબ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
