મોરબી : તાલુકામાંથી જિલ્લો અને નગર પાલિકામાંથી મહાનગર પાલિકા બનેલા મોરબી શહેરમાં ગુન્હાખોરી ઘટે તેમજ ગુન્હેગારો ઝડપથી પકડાઈ જાય તે માટે અગાઉના સીસીટીવી નેટવર્કને મજબૂત બનાવવાની કામગીરી હાલમાં પુરજોશમાં ચાલુ છે. ગત ડિસેમ્બરથી મોરબી શહેરમાં વિશ્વાસ 2 પ્રોજેકટ અન્વયે શહેરના એન્ટ્રી, એક્ઝિટ અને વ્યૂહાત્મક 52 સ્થળોએ 194 કેમેરા લગાવવામાં આવી રહ્યા છે.હાલ 70 ટકા કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.
સિરામિક નગરી મોરબી જિલ્લો બન્યા બાદ વર્ષ 2016થી શહેરના મુખ્ય વિસ્તારોમાં પીપીપીના ધોરણે સિરામિક ઉદ્યોગકારોના સહયોગથી શહેરના વિવિધ સ્થળોએ 145 સીસીટીવી ફિટ કરવામાં આવ્યા હતા.જો કે, રખરખાવના અભાવે મોટાભાગના કેમેરા બંધ થઈ ગયા બાદ મોરબી પોલીસ દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અન્વયે સીસીટીવી કેમરા લગાવવામાં આવ્યા છે. જેમાં હવે વિશ્વાસ 2 પ્રોજેકટ હેઠળ શહેરમાં વધુ 194 કેમેરા લગાવી શહેરના શનાળા રોડ, બાયપાસ, માળીયા ફાટક, નેશનલ હાઇવે અને શહેરના તમામ મુખ્ય સર્કલ ઉપર કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વિશ્વાસ 2 પ્રોજેકટ હેઠળ લગાવવામાં આવી રહેલા નવા કેમેરામાં 46 કેમેરા હાઈ રિઝોલ્યુશન કેમેરા છે જે વાહનોની નંબર પ્લેટ કેપ્ચર કરવા સમર્થ છે. મોરબીમાં વિશ્વાસ 2 પ્રોજેકટ અન્વયે ડિસેમ્બર માસથી કામગીરી કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં 100 થી વધુ કેમેરા ફિટ કરી 70 ટકા જેટલી કામગીરી કરવામાં આવી હોવાનું સતાવાર સૂત્રો જણાવી રહયા છે.
મોરબી શહેરમા પોલીસ વિભાગ હાલમાં વિશ્વાસ -2 પ્રોજેકટ હેઠળ શહેરના 20 કિલોમીટર વિસ્તારને આવરી લે તેવું અભેદ સીસીટીવી કેમેરા નેટવર્ક ઉભું કરી રહી છે. આ પ્રોજેકટ કાર્યરત થતા જ શહેરમાં અકસ્માત સર્જી નાસી જતા વાહનચાલકો આસાનીથી ઓળખાય જશે, સાથે જ શહેરમાં નાના મોટા ગુન્હાના બનાવો તેમજ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. આમ મોરબી શહેરમાં ગુન્હાખોરી ડામવા અને સલામતીને મજબૂત બનવવામાં વિશ્વાસ પ્રોજેકટ મહત્વપૂર્ણ સાબિત થશે.
મોરબી જિલ્લા પોલીસ દ્વારા મોરબી શહેરમા 194 કેમેરા ઉપરાંત વાંકાનેર શહેરમાં પણ વિવિધ વ્યહાત્મક સ્થળો તેમજ શહેરના એન્ટ્રી, એકઝીટ પોઇન્ટ અને ચાર રસ્તાઓ ઉપર 81 જગ્યાએ કેમેરા લગાવવામાં આવ્યા છે. હાલમાં મોરબી અને વાંકાનેર શહેરમાં લગાવવામાં આવેલ તમામ સીસીટીવી કેમેરાનું મોરબી જિલ્લા પોલીસવડા કચેરી ખાતે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ ખાતેથી મોનીટરીંગ થશે.

