મોરબી : ચોમાસું માથે તોળાઇ રહ્યું છે. ત્યારે મોરબી મહાપાલિકાએ આગામી ભારે વરસાદમાં કોઈ દુર્ઘટના ન સર્જાઈ તે માટે અગમચેતીના પગલા ભરી રહ્યું છે. જેમાં મોરબી મહાનગરપાલિકાએ આગામી ભારે વરસાદમાં જોખમી બને તેવી 25 બિલ્ડીંગોનું રીપેરીંગ કરવા માટે નોટિસ ફટકારી છે. તેમજ ચોમાસામાં લોકો માટે જોખમરૂપ સાબિત થાય તેવા 106 જેટલા હોર્ડિંગ્સ હટાવી લેવામાં આવ્યા છે.
મોરબી મહાનગરપાલિકાએ પ્રિમોન્સૂન કામગીરી હેઠળ લોકોની સુરક્ષા માટે અલગ અલગ કામગીરી કરી છે. જેમાં મોરબીની અંદર આવેલા 20 માંથી 11 વોકળાની સફાઈ થઈ ગયાનો દાવો કર્યો છે. જો કે દર વર્ષે તંત્ર વોકળાની સફાઈ થયાનું જણાવે છે. પણ હકીકતમાં આ દાવો પોકળ હોવાનું વરસાદમાં ઠેરઠેર પાણી ભરાવવાથી ફલિત થાય છે. તેથી આ વખતે પણ મનપાએ કરેલા દાવામાં કેટલું તથ્ય છે તે ચોમાસામાં ખબર પડશે. વધુમાં મનપાએ પ્રિમોન્સૂન હેઠળ કરેલી કામગીરીમાં સમગ્ર શહેરી વિસ્તારમાં વર્ક આસિસ્ટન્ટ મારફત સર્વે કરાવી ગટરના ૧૦૯ ઢાંકણા દુરસ્ત કરવામાં આવેલ છે તથા ૩૧ નાલામાં બેરીકેટિંગ કરી સુરક્ષિત કરવામાં આવેલ છે. તેમજ શહેરી વિસ્તારમાં 25 જોખમી બિલ્ડીંગની ઓળખ કરી આ બિલ્ડીંગોના માલિકોને બિલ્ડીંગ ભયમુક્ત કરવા રીપેરીંગ કરવા નોટીસ આપવામાં આવી છે. આ ઉપરાંત મનપા દ્વારા શહેરી વિસ્તારમાં 106 હોર્ડીંસ ઉતારી લેવામાં આવ્યા છે.આ રીતે મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પુર્વે કરવાની થતી કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું હતું.