વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે રહેણાંક મકાનમાં ઢોરની ગમાણમાં દેશી વિદેશી દારૂનો જથ્થો છુપાવી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા 140 લીટર દેશી દારૂ તેમજ વિદેશી દારૂની 80 બોટલ મળી આવી હતી.જો કે, દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, મેસરિયા ગામે રહેતા આરોપી ભીખુભાઈ દાદભાઈ તકમરીયાએ પોતાના રહેણાંકમાં ઢોર બાંધવાની ગમાણમા ગુપ્ત ખાનું બનાવી દેશી વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરે છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા ઢોરની ગમાણમા કડબ નીચેથી 140 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 28 હજાર તેમજ ગુપ્ત ખાનામાથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 80 બોટલ કિંમત રૂપિયા 1,03,800 મળી આવતા પોલીસે કુલ 1,31,800નો જથ્થો કબજે કર્યો હતો.જો કે, દરોડા દરમિયાન આરોપી ભીખુભાઈ હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.