મોરબી : મોરબી મહાપાલિકાએ આજે બુધવારે વન વિક વન ઝુંબેશ અંતર્ગત હાઉસિંગ બોર્ડમાં ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મહાનગરપાલિકાએ આશરે 50 જેટલા ગેરકાયદે દબાણોનું ડીમોલેશન કર્યું હતું. આ ગેરકાયદે દબાણો તોડી પાડીને પાંચેક જેટલા મકાનોને 5 દિવસની મુદત આપવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાની ટિમ દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે બુધવારે શનાળા રોડ પરના હાઉસીંગ બોર્ડમાં ગેરકાયદેસર દબાણો ઉપર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતી.આ વિસ્તારમાં મહાપાલિકાના બે જેસીબી દ્વારા સાર્વજનિક જગ્યામાં ખડકાયેલા 50 જેટલા છાપરા સહિતના દબાણોનો સફાયો કરી નાખ્યો હતો. જ્યારે અહીં રહેલા પાંચેક મકાનોમાં લોકો રહેતા હોય તેઓને આ દબાણ હટાવવા પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ અંગે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે આ સાર્વજનિક જગ્યામાં ખડકાયેલા દબાણો હટાવીને અંદાજે 2000 સ્કે. મીટર જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે. આ જગ્યા ઉપર સાર્વજનિક સુવિધા વિકસાવવા મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
