મોરબી : મોરબીના જાણીતા બિલ્ડરના પુત્ર ઉપર ફાયરિંગની ઘટનામાં અજાણ્યા આરોપી વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ભોગ બનનાર યુવાનને અજાણ્યો ઇસમ ગાળો આપતો હોય ગાળો આપવાની ના પાડતા ફાયરિંગ થયાનું ફરિયાદમાં જાહેર થયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની અવની ચોકડી નજીક પ્રમુખ એપાર્ટમેન્ટમાં રહેતા અને બાંધકામનો વ્યવસાય કરતા તરુણભાઈ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઈ ગામીએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.20ના રોજ રાત્રીના નવેક વાગ્યે તેઓ મોટા દહીંસરાથી નવલખી જતા રોડ ઉપર જીઇબી પાસે પોતાની જીજે – 36 – આર – 5250 નંબરની કાર લઈને ઉભા હતા ત્યારે એક અજાણ્યો શખ્સ કાર પાસે આવ્યો હતો અને કારનો કાચ ખોલાવી ગાળો આપતા ગાળ બોલવાની ના પાડતા તમંચાથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા માથામાં તેમજ શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.