મોરબી : ગઈકાલે સાંજે રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારાની ખજૂરા હોટલના પ્રાંગણમાં રાજકોટના કહેવાતા આંગડિયા પેઢીના સંચાલકની કારનો પીછો કરતા આવેલા અજાણ્યા પાંચથી સાત શખ્સોએ રૂપિયા 90 લાખની ધાડ કરતા બનાવ અંગે ગત મોડીરાત્રે ગુન્હો નોંધાવમાં આવ્યો છે.મહત્વનું છે કે, ધાડનો ભોગ બનેલ વેપારી અગાઉ 2.14 કરોડ રોકડા સાથે પોલીસના હાથે ઝડપાઇ ગયા હોવાનું પણ સામે આવ્યું છે.
રાજકોટના અંબિકા ટાઉનશીપના રહેતા મૂળ ગોંડલના અનિડા ભાલોડી ગામના વતની નિલેશ મનસુખભાઇ ભાલોડી ઉ.45 નામના આંગડિયા પેઢીના સંચાલક ગઈકાલે સાંજના સમયે રાજકોટથી કારના 90 લાખ રોકડા લઈ મોરબી તરફ આવતા હતા ત્યારે ટંકારા નજીક નંબર પ્લેટ વગરની વાઈટ કલરની પોલો અને બલેનો કારમાં આવેલા અજાણ્યા પાંચથી સાત શખ્સોએ નિલેશ ભાલોડીની કારનો પીછો કરી કારને ટક્કર મારતા નિલેશ ભાલોડીના કારના ડ્રાઇવરે બચવા માટે કારને હોટલ ખજૂરાના પ્રાંગણમાં લઈ લીધી હતી. બીજી તરફ કારમાં રોકડ રકમ હોવાનું જાણતા લૂંટારુઓએ ખજૂરા હોટલના પ્રાંગણમાં ધસી આવી કારના દરવાજા ખોલી રોકડ ભરેલા બે થેલા લઈ લૂંટ ધાડને અંજામ આપી નાસી જતા બનાવ અંગે નિલેશ ભાલોડીએ ટંકારા પોલીસ મથકમાં 90 લાખની લૂંટ ધાડ અંગે ફરિયાદ નોંધાવી હતી.આ ધાડનો ભોગ બનનાર નિલેશ ભાલોડી ગત જૂન 2024મા રાજકોટની બેડી ચોકડી નજીકથી 2.14 કરોડની રોકડ સાથે અન્ય એક શખ્સ સાથે ઝડપાઇ ગયો હોવાનું જાણવા મળે છે. તેમજ નિલેશ ભાલોડી જીએસટીના કામ કાજ સાથે પણ સંકળાયેલ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

