મોરબી : મોરબીના વનાળિયા ગામે સંયુક્ત પરિવારમાં અલગથી રહેતા યુવાનના પિતાએ ઘરની લાઈટ બંધ કરી દીધી હોવાથી પુત્રએ લાઈટ કેમ બંધ કરી તેમ પૂછતાં પિતાએ પુત્રને ગાળો આપી લાકડી, ધોકા વડે માર માર્યા બાદ ધારીયું ઝીકી દેતા પુત્રવધુએ સસરા સહિતના બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મોરબીના વનાળિયા ગામે રહેતા ભાનુબેન રાજેશભાઇ અજાણાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી સસરા ધારાભાઈ ઘેલાભાઈ અજાણા રહે.વનાળિયા અને મનીષાબેન વિરાજભાઈ ખાંભલા રહે.શનાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી ધારાભાઈએ તેમના ઘરની લાઈટ બંધ કરી દેતા ભાનુબેનના પતિએ લાઈટ શા માટે બંધ કરી દીધી તેમ પૂછતાં ઉશ્કેરાઈ ગયેલા ધારાભાઈએ લાકડી અને ધોકા વડે માર મારી બાદમાં ફળિયામાં પડેલા ધારીયા વડે માથાના ભાગે ઘા મારી ઇજાઓ પહોંચાડી હતી.સાથે જ આરોપી મનીષાબેને પણ જેમ ફાવે તેમ ગાળો આપતા બન્ને વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.