મોરબી : ટંકારા નજીક આવેલ કમ્ફર્ટ રિસોર્ટમાં અગાઉ ધમધમતી હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં રેઇડ કરી તોડકાંડ કરવાના ચર્ચાસ્પદ કેસમાં પીઆઈ અને હેડ કોન્સ્ટેબલને ફરાર જાહેર કરાયા બાદ હવે આ તોડકાંડના આરોપી હેડ કોન્સ્ટેબ્લે પોલીસ સામે શરણાગતિ કરી હતી. આથી પોલીસે આ આરોપીને આજે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
ટંકારા નજીક આવેલ હોટલ કન્ફર્ટ રિસોર્ટમાં ગત તા.25 ઓક્ટોબરના રોજ દરોડો પાડી ઈન્ચાર્જ પીઆઈ વાય.કે. ગોહિલે 12 લાખ રોકડા તેમજ ફોર્ચ્યુનર કાર સહિત 63 લાખનો મુદ્દામાલ કબ્જે કરી રાજકોટના જાણીતા શિલ્પા જવેલર્સવાળા ભાસ્કર પારેખ સહિત 9 આરોપીઓને પકડી પાડયા હતા. બીજી તરફ હોટલ કમ્ફર્ટમા હાઈપ્રોફાઈલ જુગાર કલબમાં દરોડા બાદ પોલીસબેડામા ખળભળાટ મચી જાય તેવા એક્શન આવ્યા હતા. આ જુગારકલબમાં દરોડા બાદ વહીવટની ચર્ચાઓ પણ ઉઠી હતી. ત્યારબાદ રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા ઈન્ચાર્જ પીઆઈ વાય.કે.ગોહિલને વાંકાનેર રેન્જમાં લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્યા હતા. તેમજ પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ સૌલંકીની દ્વારકા જીલ્લામાં બદલી કરી નાખી જુગાર કલબ મામલે લીંબડી ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવી હતી.
જોકે વાત આટલે થી ન અટકતા પોલીસ અને મોરબી જિલ્લા માં ચકચાર જગાવી સ્ટેટ મોનીટરીંગ સેલના નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામરીયા સહિતની ટીમે રૂબરૂ ધામા નાખ્યા બાદ ધગધગતો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ સાથે પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરિસિંહ સોલંકી વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન બન્ને તેઓના રહેણાંક મકાનો તથા ફરજના સ્થળો, સગા-સંબંધીના ઘરે તપાસ કરતા મળી આવેલા ન હતા.બન્ને આરોપીઓ વિરુદ્ધ સ્પેશ્યલ અને સેશન્સ કોર્ટ મોરબી દ્વારા BNSS-કલમ-૮૪ મુજબનું ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેથી જાહેરનામું પ્રસિદ્ધ થયાના 30 દિવસમાં તપાસ કરનાર અધિકારી નાયબ પોલીસ અધિક્ષક, લીંબડી ડિવિઝન, લીંબડી સમક્ષ આરોપીઓને હાજર થવા હુકમ કરવામાં આવ્યો હતો ત્યારે આજે મહિપતસિંહ સોલંકી લિમડી પોલીસ મથકે હાજર થયાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ તેઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.
