ઘર પાસે બાથરૂમ બનાવવા બાબતે થયેલી માથાકુટ બાદ મામલો બીચકયો
મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે ઘર પાસે બાથરૂમ બનાવવા માટે અગાઉ પાડોશીઓ વચ્ચે માથાકૂટ થયા બાદ ગઈકાલે આ જુનું મનદુઃખ સપાટી પર આવતા બન્ને પાડોશીઓ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. આ બનાવ બાદ સામસામી ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અગાઉ ઘર પાસે બાથરૂમ બનાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ બન્ને પાડોશીઓ ઘુટુની રામનગરીમા લગ્નપ્રસંગમા ભેગા થઈ જતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો જેમાં એક પક્ષે લાકડી વડે હુમલો કર્યાની તો બીજા પક્ષે છરી બતાવી ઝપાઝપી કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા જોધાભાઈ ઉર્ફે કાનાભાઈ કાટોડિયા ગઈ તા.23ના રોજ ઘુટુ નજીક આવેલ રામનગરી સોસાયટીમાં લગ્નપ્રસંગમા હાજરી આપી પરત આવતા હતા ત્યારે નીતિન ભરતભાઇ રહે.ઉંચી માંડલ વાળાએ અગાઉના ઝઘડાનો ખાર રાખી લાકડી વડે પગ તેમજ માથાના ભાગે માર મારી ઇજાઓ પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામાપક્ષે નીતિન ભરતભાઇ લાંબરીયાએ આરોપી કાનાભાઈ નવઘણભાઈ કાટોડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, અગાઉ તેમના ઘર પાસે બાથરૂમ બનાવવા બાબતે આરોપી સાથે બોલાચાલી થઈ હોય તેનો ખાર રાખી આરોપીએ ઝપાઝપી કરી છરી બતાવી મૂંઢ માર માર્યો હતો.બનાવ અંગે પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.