મોરબી : વિશ્વ પર્યાવરણ દિવસની થીમ એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી અન્વયે મોરબી જિલ્લામાં પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. મોરબી જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરી દ્વારા જિલ્લાના વિવિધ ઉચ્ચ અધિકારીઓને મહત્વની જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે. જિલ્લામાં કરવામાં આવી રહેલા વિવિધ આયોજનના ભાગરૂપે ટંકારા તાલુકાના ઘુનડા ગામે પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
દર વર્ષે પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે ભારત સરકારે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવાના મહત્વ પર ભાર મૂક્યો છે. જેને ધ્યાને લઈ આ વર્ષની થીમ એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી રાખવામાં આવેલ છે. જે અન્વય મોરબી જિલ્લાના તમામ ગામોમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અને પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ માટેની વિવિધ પ્રવૃત્તિઓ કરવાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી છે, ઉપરાંત જિલ્લાના મહત્વના તમામ ઉચ્ચ અધિકારીઓના વિવિધ હુકમો પણ કરવામાં આવ્યા છે.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લા RCH અઘિકારી ડો. સંજય શાહ દ્વારા ટંકારા તાલુકાના ઘુનડા ગામની મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ગ્રામસેવક તેમજ ગામના લોકોને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની થીમને ધ્યાને લઈ ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેની ઝુંબેશ શરૂ કરાવવામાં આવી હતી. આ આયોજનના ભાગરૂપે ગામમાંથી પ્લાસ્ટિક કચરાનો યોગ્ય નિકાલ થાય તે માટે ગામમાં વિશેષ વ્યવસ્થા ગોઠવવા પણ જણાવવામાં આવ્યું હતું. ઉપરાંત ગામના સરપંચ અને ગામના આગેવાનો પણ પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશમાં જોડાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.


