વાંકાનેર : તાલુકાના પંચાસર ગામ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ ઘટાડવા તેમજ પુનઃઉપયોગ અને રિસાયકલ અંગે જાગૃત કરવાના ઉદ્દેશ સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને સીમિત કરવા ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યની સાથે મોરબીમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસની આ વર્ષની થીમ એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલીના ભાગરૂપે વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. મોરબી સહાયક માહિતી નિયામકના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકાના પંચાસર ગામ ખાતે ગામના સરપંચ મહેબૂબભાઈ ભોરણીયાના અધ્યક્ષસ્થાને તેમજ પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં પંચાસરના તલાટી-મંત્રી તેજસ ડોડીયા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક અટ્કાવવાના હેતુ સાથે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામ સભામાં ગ્રામજનોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા, ઉપયોગ ઘટાડવા તથા આ પ્લાસ્ટિકની વસ્તુઓનો પુન: ઉપયોગ કે રિસાયકલિંગ કેવી રીતે કરી શકાય તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ગ્રામ સભામાં સર્વે ઉપસ્થિત દ્વારા સિંગલ યુગ પ્લાસ્ટિકને ના એમ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.
