મોરબી : મોરબીમાં ચોમાસું માથે તોળાઈ રહ્યું હોવાથી કેટલીક જર્જરિત બની ગયેલી ઇમારતો જોખમી બને તેવી ભીતિ હોવાથી મહાનગરપાલિકાએ અગાઉ આ જોખમી ઇમારતોને સ્વૈચ્છાએ હટાવી લેવાની તાકીદ કરી હતી. આમ છતાં આ જોખમી ઇમારતો નહિ હટતા આજે મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોનું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના વાઘપરામાં જેસીબી વડે સવારે એક મોટી ઇમારત તોડી નખાયા બાદ બપોર પછી સામાકાંઠે આવેલ અરૂણોદયનગર, વર્ધમાન, રીલીફનગરમાં ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં ચોમાસુ નજીક આવતા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને શહેરના વિવિધ સ્થળે જોખમી બની ગયેલી મસમોટી બિલ્ડીંગો ભારે વરસાદ અને વાવાઝોડમાં પડવાની દહેશત હોવાથી અગાઉ મનપાએ જે તે બિલ્ડીંગોના માલિકોને આજુબાજુમાં રહેતા જનહિતને ધ્યાને લઇ તેમની જર્જરિત ઇમારતો હટાવી લેવા વારંવાર નોટિસો ફટકારી હતી. શહેરની કુલ 26 ઇમારતોને નોટિસ આપવામાં આવી હતી. તેમાંથી 16 જોખમી ઇમારતોને ત્રીજી અને છેલ્લી નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં આવી જોખમી ઇમારતો નહિ હટતા મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરની હાજરીમાં પાંચ જર્જરિત ઈમારતોનું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોરબી શહેર અંદર આવેલ વાઘપરાની એક મોટી જોખમી ઇમારત જેસીબી વડે તોડી નાખવામાં આવી હતી.સાથેસાથે આજના દિવસમાં મોરબીના સામાકાંઠે આવેલ અરૂણોદયનગર, વર્ધમાન, રીલીફનગરમાં ડીમોલેશન હાથ ધરીને આ જર્જરિત ઇમારતો તોડી પાડવામાં આવી છે.

