મુખ્ય બજાર વિસ્તારમાં બપોરના સમયે ચહલપહલ ન હોવાથી જાનહાની સહેજમાં ટળી
મોરબી : મોરબીના નવા ડેલા રોડ ઉપર આજે બપોરના સમયે જર્જરિત ઈમારતનું છજુ પડતા બે વાહનોમાં નુકસાન થયું છે. જો કે સદનસીબે આ ઈમારતની નીચે કોઈ ન હોવાથી જાનહાનિ ટળી હતી.
મોરબીના નવા ડેલા રોડ ઉપર એક જર્જરિત કોમર્શિયલ ઇમારતમાં આજે બપોરના અરસામાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક તરફનું છજુ ધડાકાભેર તૂટી પડયું હતું. જેની નીચે એક માલ ભરેલી રીક્ષા અને એક ટાવેરા પડી હતી. આ બન્ને વાહનોમાં નુકસાન સર્જાયું છે. આ મામલે સ્થાનિક વડાવરિયા રજિયાબેન ઈરફાનભાઈએ જણાવ્યું કે અમે અવારનવાર રજૂઆતો કરી છે પણ મહાપાલિકાએ થોડો જ ભાગ હટાવી સંતોષ માની લીધું હતું. અમારી કારને નુકસાન થયું છે. સારું છે બપોરનો સમય હતો એટલે કોઈ અહીંથી પસાર થઈ રહ્યું ન હતું. નહિતર અહીં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે.


