મોરબીના નવલખી રોડ ઉપર નેકસસ સિનેમા સામે વાડીમાં ઈટનો ભઠ્ઠો ચલાવતા દંપતી ઉપર નજીકમાં જ બીજો ઈટનો ભઠ્ઠો ધરાવતા શખ્સે મજૂરો કેમ નથી આવવા દેતો કહી જીવલેણ હુમલો કરી મહિલાના સાથળમાં છરીનો ઘા ઝીકી દેતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના વાવડી રોડ ઉપર રવિપાર્કમાં રહેતા મનસુખભાઇ જગદીશભાઈ ભલસોડ ઉ.40 નામના ઈટના ભઠ્ઠાના સંચાલકે આરોપી દામજી ઉર્ફે ટીનો જીવરાજ મંડલી, રેખા દામજી મંડલી રહે.વાવડી રોડ, દામજીની સાળી અલ્પા રહે.રાજકોટ તેમજ ગાયત્રીનગરમાં રહેતા રીક્ષા ચાલક ઇમરાન વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેઓ પોતાના ઇટના ભઠ્ઠે હતા ત્યારે આરોપી દામજી સહિતના લોકો ધસી આવ્યા હતા અને આરોપીએ પોતાના ભઠ્ઠે મજૂરને કેમ નથી મોકલતો કહી ધોકા વડે માર મારી તેમના પત્ની શિલ્પાબેનને આરોપી ઇમરાન રીક્ષા વાળાએ છરીનો ઘા ઝીકી દઇ જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.