વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાયા
મોરબી : WHOની વિશ્વ તમાકુ નિષેધ દિવસ-2025ની થીમ “અપીલનો પર્દાફાશ: તમાકુ અને નિકોટિન ઉત્પાદનો પર ઉદ્યોગની યુક્તિઓનો પર્દાફાશ” અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની વિવિધ માધ્યમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા કક્ષાએ ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત ખાતે તમામ અધિકારી અને કર્મચારીનો તમાકુના વ્યસનની જાગૃતિ અર્થે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટથી કેન્સર નિષ્ણાત ડોક્ટર દ્વારા પ્રેઝેન્ટેશન વડે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વર્કશોપના અંતે દરેક અધિકારી અને કર્મચારીઓએ વ્યસન મુક્તિનાં શપથ લીધા હતા.
આ ઉપરાંત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મોરબી સીટી વિસ્તારમાં કોટપા- 2003 એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ યોજી કુલ 26 કેસ કરીને કુલ 5200નો દંડ વસુલાત કરવામાં આવ્યો છે. તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/શહેરી આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટર કક્ષાએ કુલ 4304 લોકોને વ્યસનમુકિત અંગેના શપથ લેવડાવવામાં આવ્યા, તથા 1003 લોકોને ફોક્સ ગ્રુપ ડીસ્કશન દ્વારા તમાકુના વ્યસન અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ પ્રકારે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરીને મોરબી જીલ્લાની જાહેર જનતાને તમાકુ મુક્ત-વ્યસન મુક્ત બનાવવાનો આરોગ્ય વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

