મોરબી : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટા ચૂંટણી 2025નો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટા ચૂંટણી 2025 અંતર્ગત મોરબી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આગામી તા. 22 જૂન, 2025ના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર-પેટા ચૂંટણીઓ માટે મતદાન યોજાશે, આ ચૂંટણી કાર્યક્રમ મુજબ તા.25 જૂન, 2025ના રોજ મતગણતરી થશે.
ગ્રામ પંચાયત ચૂંટણી-2025 અન્વયે આદર્શ આચારસંહિતા અમલીકરણ માટે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા લાઉડ સ્પીકરના ઉપયોગ તથા વાહનો પર લાઉડ સ્પીકર લગાડવા પર પ્રતિબંધત મુકવામાં આવ્યો છે.
આ જાહેરનામા અનુસાર લાઉડ સ્પીકર તથા વાહનો પર લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત પરવાનગી સિવાય ચૂંટણી પ્રચાર દરમિયાન સભા, સરઘસ કે વાહનો પર માઇક વગાડી શકાશે નહિ. સંબંધિત સક્ષમ અધિકારીની પરવાનગી મેળવીને સવારે 8 કલાકથી રાત્રે 10 કલાક સુધી માઇકનો ઉપયોગ કરવો. વાહનોમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરતા તમામ રાજકીય પક્ષો, ઉમેદવારો કે કાર્યકરોએ લાઉડ સ્પીકર વાપરવા માટેની પરવાનગી આપતા સત્તાધિકારીને આ વાહનોની નોંધણી, ઓળખ નંબરો જણાવવા અને પરવાનગીપત્ર પર નોંધ કરવાની રહેશે અને ચૂંટણી અધિકારી, પોલીસને જાણ કરવી. લેખિત પરવાનગી વિના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે તો તે વાહન સહિત તમામ ઉપકરણો જપ્ત કરવામાં આવશે. આ હુકમ ચૂંટણીમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં તા.27-6-2025 સુધી અમલમાં રહેશે. આ હુકમના ભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.