મોરબીના મહેન્દ્રનગરના ક્રાંતિ જ્યોત સોસાયટીમાં છેલ્લા 10 દિવસથી પાણી આવતું ન હોય રહીશો પાણી પ્રશ્ને રજુઆત કરવા મોડી રાત્રે સંપે દોડી ગયા હતા. જ્યાં તેઓએ અધિકારીઓને કહ્યું હતું કે સાહેબ બે હાથ જોડીએ, અમને પાણી આપો. અત્યારે ટેન્કર ઉપર જ નિર્ભર છીએ.
આ અંગે વિગતો આપતા સ્થાનિક મિતેશભાઈ ઘોડાસરાએ જણાવ્યું કે મહેન્દ્રનગરમાં આવેલ ક્રાંતિજ્યોત સોસાયટીમાં 2 હજાર જેટલા લોકો રહે છે. અહીં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. જેથી ગત રાત્રીના સમતે 60 જેટલા સ્થાનિકો ભરતનગર સંપે રજુઆત કરવા દોડી ગયા હતા. અહીં અગાઉથી જ પાણીનો પ્રશ્ન છે. છતાં કાપ મૂકવાની વાત મળી છે. હાલ તો રજુઆત કરી છે છતાં પાણી પ્રશ્નનો નિવેડો નહિ આવે તો ધારાસભ્યને રજુઆત કરીશું. જરૂર પડ્યે રસ્તા રોકો આંદોલન પણ કરીશું.

