મોરબી : ફરી એક વખત રાજ્યની એસએમસીની ટીમ મોરબી જિલ્લામાં ત્રાટકી હતી. જેમાં એસએમસીએ માળિયા- જામનગર હાઇવે રોડ ઉપરથી ટ્રકને અટકાવી આ ટ્રકની અંદર ભૂસાની બોરીઓની આડમાં દારૂની મોટાપાયે હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. એસએસસીની તપાસમાં આ દારૂ પંજાબથી આવ્યો હોવાનું ખુલ્યું હતું. આથી ટ્રકમાં ભરેલી રૂ.92,69,100ની કિંમતની 7213 દારૂની બોટલ ટ્રક, રોકડ વિગેરે મળીને રૂ.1.15 કરોડથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ અન્ય છ શખ્સોના નામ ખુલ્યા છે.
મોરબી જિલ્લાના માળીયા તાલુકાને જોડતા માળિયા જામનગર હાઇવે રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂ ભરેલો ટ્રક પસાર થવાનો હોવાની ચોક્કસ બાતમી એસએમસીની ટીમને મળી હતી.આથી એસએસસીની ટીમે તે સ્થળે વોચ રાખી હતી અને રાત્રિ દરમિયાન પસાર થઈ રહેલા ટ્રકને અટકાવીને તપાસ કરતા તેમાં ભુસાની બોરીઓ ઉપરના ભાગે મૂકી નીચેના ભાગે દારૂની પેટીઓ મૂકીને લઈ જતા હોવાનું સામે આવ્યું હતું. જેથી એસએમસીની ટીમ દ્વારા આ દારૂ ભરેલા ટ્રકને માળીયા (મી) પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ વાહનમાં ભરવામાં આવેલ માલ ખાલી કરવામાં આવતા તેમાંથી 7,213 બોટલ દારૂ જેની કિંમત 92,69,100, ભૂસાની 200 બોરીઓ જેની કિંમત 2,91,000, જીજે 10 ટીટી 9185 જેની કિંમત 20 લાખ રૂપિયા, 4,450 રોકડા તથા 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 1,15,69,550 ની કિંમતનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો અને ટ્રકના ડ્રાઇવર ભાવેશ નાથાભાઈ મોરી તથા ક્લીનર લીલા ટપુભાઈ મોરી રહે. બંને દરેડ ગામ જામનગર વાળા ની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને શખ્સોની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અરજણ આલા કોડીયાતર રહે. રાણપર જિલ્લો દેવભૂમિ દ્વારકા તથા ભરત ઉર્ફે જીગો સોમાભાઈ કોડીયાતર રહે. ટિંબડી ગામ જીલ્લો દેવભૂમિ દ્વારકા, ટ્રકના માલિક તેમજ પંજાબથી માલ મોકલાવનાર બે અજાણ્યા માણસો અને પંજાબથી માલ મોકલનાર મુખ્ય સપ્લાયર આમ કુલ મળીને આઠ શખ્સોની સામે માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
