મોરબીમાં અમદાવાદની એસીબી ટીમે આજે સપાટો બોલાવી દીધો છે. એક પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલને રૂ.1.30 લાખની લાંચ લેતા ઝડપી લેતા સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નગરદરવાજા ચોકીના ઇન્ચાર્જ પીએસઆઈ એ.એસ.શુક્લા અને હેડ કોન્સ્ટેબલ હિતેશ મકવાણાએ એક વ્યક્તિ પાસેથી અગાઉ રૂ.1 લાખ લીધા હતા. વધારાની રૂ.1.30 લાખની રકમ લેવાની હતી. જે અંગે વ્યક્તિએ એસીબીનો સંપર્ક કરતા અમદાવાદ એસીબીની ટીમે મોરબીમાં છટકું ગોઠવી પીએસઆઈ એ.એસ.શુક્લા અને હેડ કોન્સ્ટેબલ હિતેશ મકવાણાને રૂ.1.30 લાખની લાંચ લેતા પકડી લીધા હોવાનું સૂત્રો માંથી જાણવા મળી રહ્યું છે. બન્ને પોલીસ જવાનોને પકડી એસીબીએ આગળની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ પીએસઆઈ દરજ્જાના પોલીસ અધિકારી એસીબીના છટકામાં આવી જતા સમગ્ર પોલીસ બેડામાં આ ઘટનાથી સન્નાટો છવાઇ ગયો છે.