મોરબી : માળીયા મિયાણા તાલુકાના વિદરકા ગામ નજીક નવી બની રહેલી ફેકટરીમાં કામ કરતા મધ્યપ્રદેશના વતની શ્રમિક પરિવારના મામા અને ભાણેજ રોડ ઉપર જાજરૂ ગયા હોય આ બાબત સારી નહિ લાગતા ચાર શખ્સોએ તલવાર, છરી અને ધોકા સાથે ફેકટરીમાં ઘુસી સગીર ભાણેજ અને મામા ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા બન્નેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરના વતની અને હાલમાં માળીયા મિયાણા તાલુકાનાં વિદરકા ગામની સીમમાં નવી બની રહેલી એલિગોલ્ડ માઇક્રોન નામની ફેકટરીમાં 14 દિવસથી મજૂરી કામે આવેલા અને અહીં જ રહેતા અનિલભાઈ બુધિયાભાઈ વર્માએ આરોપી જાવેદ ગુલમામદ જેડા, સદામ હસનભાઈ કટિયા, યારો શેરમામદ મોવર અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.7ના રોજ ફેકટરીના સંડાસની વ્યવસ્થા ન હોય રાત્રીના સમયે તેમની 14 વર્ષનો પુત્ર અને તેમનો સાળો સંજય રમેશભાઈ વર્મા રોડ ઉપર કુદરતી હાજતે ગયા હતા. આ બાબત આરોપીઓને સારી નહિ લાગતા રાત્રીના સમયે ફેકટરીના લેબર કવાટર્સમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તેમના સગીર પુત્ર અને સાળાને તલવાર, છરી અને ધોકા વડે માર મારી સગીરના કાંડા ઉપર તલવારનો ઘા મારી કાંડુ અડધું કાપી નાખતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.