મચ્છુ ડેમનું પાણી ફિલ્ટર વગર જ સીધું લોકોના પેટમાં પધરાવી દેવાતું હોવાની ફરિયાદ, ફિલ્ટર પ્લાન્ટમાં જ પાણીમાં બેથી ત્રણ મૃત માછલી દેખાઈ, પાણી પુરવઠા બોર્ડના અધિકારીએ આ ગંભીરની જાણકારી ન હોવાનો ઢોગ કર્યો
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલો નઝરબાગ ફિલ્ટર પ્લાન્ટ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં હોવાની ગંભીર બાબત પ્રકાશમાં આવી છે. આથી મચ્છુ -2 ડેમનું ગંદુ પાણી લોકોને સીધે સીધું ફિલ્ટર કર્યા વગર જ ધાબડી દઈ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે પાણી પુરવઠા બોર્ડના અધિકારીએ પણ આ મામલે અજાણ હોવાનો ઢોગ કરી રહ્યા છે.
મોરબીના નઝરબાગ ફિલ્ટર પ્લાન્ટમાંથી ભડિયાદ, ત્રાજપર, માળિયા વનાળિયા, લાલપર, ધરમપુર, ટીંબડી ગામની 40 હજાર વસ્તીને પાણી વિતરણ કરવામાં આવે છે. આમાનો ઘણો વિસ્તાર હવે મહાપાલિકામાં પણ ભળી ગયો છે. આજે સવારથી આ વિસ્તારમાં પાણી અતિશય ગંદુ અને દુર્ગંધ મારતું વિતરણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી છે. આથી આ નઝરબાગ ફિલ્ટર પ્લાન્ટનું રિયાલિટી ચેક કરતા આ ફિલ્ટર પ્લાન્ટ તો બે વર્ષથી બંધ હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા બે વર્ષથી ડેમનું પાણી ફિલ્ટર કર્યા વગર જ સીધું લોકોને ધાબડી દેવાય છે. અહીં ક્લોરીનેશનની પ્રક્રિયા પણ થતી નથી. વધુમાં ફિલ્ટર પ્લાન્ટમાં જ્યાં ક્લોરીનેશનની પ્રક્રિયા થતી હોય છે તે જગ્યાએ બેથી ત્રણ મરેલા માછલાં પણ જોવા મળ્યા હતા. આ મામલે પાણી પુરવઠા બોર્ડના અધિકારી દામાને પૂછતાં તેઓએ જણાવ્યું કે મને ખ્યાલ નથી હું તપાસ કરી લવ છું. આમ અધિકારીને પણ ફિલ્ટર પ્લાન્ટમાં શુ ચાલી રહ્યું છે તેમનો તેમને જરાય અંદાજ ન હોવાનું જણાવી આ ગંભીર બાબતે જવાબદારીમાંથી હાથ ખખેરી નાખ્યા છે.
