મોરબી : મોરબીમાં પાણીની કટોકટી વચ્ચે ફરી એકવાર મનપાએ પ્રજાને પાણીની અનિયમિતતાનો ડામ આપ્યો છે. મચ્છું ડેમના દરવાજાના રીપેરીંગ કામને કારણે ઘણા ખરા વિસ્તારોમાં પાણી અનિયમિત આવતું હોવાની ફરિયાદ વચ્ચે આજે મોરબી મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાએ મોરબીની જીવાદોરી સમાન મચ્છું ડેમમાં પંપના વાલની કામગીરી કરવાની હોવાના કારણે આજે મંગળવારથી ત્રણ દિવસ પાણીનું અનિયમિત વિતરણ કરવાનો નિર્ણય જાહેર કરતા પ્રજાને હવે ત્રણ દિવસ સુધી પાણી વગર પાર વગરની હાડમારી વેઠવી પડશે.
મોરબીન મચ્છુ-2 ડેમ ખાતે આવેલા પાણીના પંપના વાલનું રીપેરીંગ કામ આજે તા.10 જૂનથી શરૂ થનાર છે અને આજે 10 જૂનના રોજ સવારના ૮થી રાત્રીના ૮ કલાક સુધી આ રીપેરીંગ કામ ચાલવાનું હોવાથી તા.10 થી તા.12 જૂન એટલે ત્રણ દિવસ સુધી મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે ચડી જશે. આથી આ ત્રણ દિવસ સુધી મોરબીની પ્રજા માટે મોરબી મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખા દ્વારા પાણીનું અનિયમિત વિતરણ કરવાનું જાહેર કરાયું છે. જો કે વીસીપરા, માળીયા વનાળિયા, શક્તિ સોસાયટી સહિતના શહેરના ઘણા ખરા વિસ્તારોમાં ભર ઉનાળે પાણીની કારમી તંગી છે અને અમુક વિસ્તારોમાં પાણી અનિયમિત આવે છે. તેમજ કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી વિતરણ થવાની સમસ્યા હોવાથી લોકો આ પાણીનો ઉપયોગ કરી શકતા નથી. આવી ગંભીર બાબત વચ્ચે હવે ત્રણ દિવસ સુધી પાણી અનિયમિત રીતે મળવાની જાહેરાત થતા લોકોમાં ભારે નારાજગી ફેલાય છે.