પીએમ આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે રૂ. 4 લાખની સરકારી સહાય અપાશે
મોરબી : મોરબીમાં પીએમ આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે રૂ. 4 લાખની સરકારી સહાય આપવામાં આવનાર છે. આથી આ યોજના સંદર્ભે આજે તા.10ના રોજ બપોરે 12થી 4 વાગ્યા સુધી ભડિયાદ ગ્રામ પંચાયત, તા.11ના રોજ બપોરે 12થી 4 વાગ્યા સુધી લાયન્સનગર(ગોકુલનગર) પ્રાથમિક શાળા, તા.12ના રોજ બપોરે 2:30 થી 5 વાગ્યા સુધી દીપ્તિ આરોગ્ય કેન્દ્ર (સિસ્ટરનો બંગલો) ફૂલછાબ કોલોની વીસીપરા તથા તા.13ના રોજ બપોરે 12થી 4 વાગ્યા સુધી જનકલ્યાણેશ્વર મહાદેવ મંદિર ઉમા ટાઉનશીપ પાસે, સામાકાંઠે, મોરબી-2 ખાતે કેમ્પ યોજાશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન(BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા અલગ અલગ વિસ્તારોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ધારા-ધોરણ મુજબ 30 ચો.મી થી 45 ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ કરી શકાશે. જે માટે પ્રતિ આવાસ દીઠ કેન્દ્ર સરકાર દ્વારા રકમ રૂ.1,50,000 અને રાજ્ય સરકાર દ્વારા રકમ રૂ.2,50,000 એમ કુલ મળીને રકમ રૂ.4,00,000ની સહાય 4 હપ્તામાં મળવાપાત્ર રહેશે. જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના નાગરિકો કે જેઓ પોતાની માલિકીનું કાચું, અર્ધ કાચું, જર્જરિત કે ખુલ્લો પ્લોટ ધરાવે છે અને તેઓની કૌટુંબિક વાર્ષિક આવક રકમ રૂ.3 લાખ સુધીની છે અને ભારતભરમાં અગાઉ આવાસની યોજનાના કોઈપણ ઘટકમાં લાભ લીધેલ નથી. તેવા લાભાર્થીઓ પોતાની માલિકીનું પાકું નવું મકાન બાંધકામ કરવા ઈચ્છે છે તેઓને ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ સ્થળ પર કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ ડેપ્યુટી કમિશનરની યાદીમાં જણાવાયું છે.