રજુઆત માટે કમિશનરે મળવાની ઘસીને ના પાડી દેતા વિહિપના અગ્રણીઓ દબાણો મુદ્દે પક્ષપાત રખાતો હોવાનો આક્ષેપ કર્યો
મોરબી : મોરબી મનપા દબાણો હટાવવા સહિતની કામગીરીમાં તાનશાહી કરતું હોવાના ગંભીર આક્ષેપ સાથે વિહિપના અગ્રણીઓ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા ગયા હતા. પણ મ્યુનિસિપલ કમિશનરે અન્યાયકારી વલણ દાખવી વિહિપના અગ્રણીઓને મળવાની ઘસીને ના પાડી દીધાનો ગંભીર આક્ષેપ કર્યો છે. સાથેસાથે મનપા દબાણો મુદ્દે એક ખોળ અને બીજાને ગોળ જેવી નીતિ અપનાવતું હોવાનો પણ આરોપ મૂક્યો હતો.
મોરબી વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ આજે અનેક મુદ્દે રજુઆત કરવા આવેદન સાથે મ્યુનિસિપલ કમિશનરની કચેરીએ મળવા ગયા હતા. પરંતુ કમિશનરે મળવાની ના પાડી દીધી હતી અને ડેપ્યુટી કમિશનરને મળવા જવાનું કહ્યુ હતું. જેથી વિહિપના અગ્રણીઓમાં નારાજગી ફેલાય હતી.આથી અગ્રણીઓ જણાવ્યું હતું કે, સોમવારે લોકોને મળવાનો સમય ખુદ કમિશનરે જ આપ્યો હતો. અમો જ્યારે અરજદાર આવેદનપત્ર સાહેબનું લખીએ ત્યારે કમિશનરને જ મળીને રજૂઆત કરીએ એમના અન્ય અધિકારીને શું કામ મળીએ ? જ્યારે આપણા ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી પણ બધાંને મળતા હોય અને આપણા મોરબી જિલ્લાના કલેક્ટર પણ સીધા બધાને મળતા હોય તો એક મનપાના કમિશનરને મળવામાં શું વાંધો હોય શકે? તેવો સવાલ ઉઠાવ્યો છે.
જો કે, વિહિપની રજૂઆત હતી કે, મોરબીમાં સ્મશાનની બાજુમાં આવેલા વોકળા પર બનેલી યદુનંદન ગૌશાળાનું બાંધકામ અવરોધરૂપ હોય તોડી નાખ્યું હોય તો ગૌશાળાના બાંધકામની સીધી લીટીમાં આવેલા મકાન કેમ પાડવામાં નથી આવ્યા ? કાલીકા પ્લોટમાં કે જ્યાંથી શનાળા રોડ અને રવાપર રોડનો પાણીનો નિકાલ હોય ત્યાં પણ દબાણો દૂર કરાયા નથી. આ વોકળા ઉપર આર.સી.સી.ના ધાબા પણ ભરી દેવામા આવ્યા છે.ઐતિહાસિક વિરાસત મણીમંદિરની બાજુમાં જે દબાણ હોય તેનો કેસ પણ ચાલુ છે તો તેના લાઇટ અને પાણીના જોડાણ બાબતે કેમ હજુ સુધી ચાલુ હોય એ બાબતે યોગ્ય કરવા, મહાનગરપાલિકાની પોતાની જગ્યા (પવડીનો ડેલો)માં પણ ગેરકાયદેસર દબાણ છે જે ધ્યાને લેવા, ઘણા વિસ્તારોમાં ધ્યાને એવું પણ આવેલું છે કે જેમાં મનપાનું જે.સી.બી. એક બાજુથી જઇને સડસડાટ બીજી બાજુ ડિમોલેશન કર્યા વિના પસાર થઈ ગયુ હોય, ડીમોલેશનની કામગીરી અંતર્ગત નગરમાં આવેલ હરતા-ફરતા પશુઓના અવેડા પણ તોડી પાડવામાં આવેલ છે જેની ફરીથી વિચારણા કરવામા આવે, બે દિવસ પહેલા જ એક વાહનમાંથી માંસ મટનના ટુકડાઓ રોડ ઉપર વિખેરાયા અને ત્યાંથી પસાર થતા લોકો અરુચિને કારણે માનસિક હાલાકીનો ભોગ બન્યા. ત્યારે ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા અને કાયદેસરના કતલખાનાઓને કોર્ટના નિર્દેશ મુજબ નગરની બહાર મૂકવા આ ઉપરાંત અમુક રોડ ઉપર અમુક બાંધકામો તોડવામાં આવ્યા છે તો અમુક બાંધકામો રાખી મૂકવામાં આવ્યા છે તે કામગીરી યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.
