અગાઉ નોટિસ આપ્યા છતાં બાંધકામ નહિ હટાવતા મનપાની ટીપી શાખાએ કાર્યવાહી કરી
મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ વોરાબાગમાં મંજૂરી વગર ખડકાયેલા ઇલેક્ટ્રિક ગોડાઉનનો શેડ ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. જેમાં અગાઉ નોટિસ આપ્યા છતાં આ બાંધકામ નહિ હટાવતા મહાનગરપાલિકા ટીપી શાખાએ ડીમોલેશન કાર્યવાહી કરી હતી.
મોરબી મહાપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે થઈ રહેલા નવા બાંધકામોને ધડાધડ નોટીસો ફટકારી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે સામાકાંઠે વોરા બાગમાં આવેલ એક ઇલેક્ટ્રિકના ગોડાઉનના શેડને અગાઉ નોટિસ અપાયા બાદ આજે ટીપી શાખાની ટિમ દ્વારા અંદાજે 200 ફૂટના આ ગોડાઉનના શેડને જેસીબીની મદદથી તોડી નાખવામાં આવ્યું છે. આ મામલે મહાપાલિકાની ટીપી શાખાના અધિકારીએ જણાવ્યું કે, વોરાબાગ વિસ્તારમાં આવેલ આ ઇલેક્ટ્રિક ગોડાઉનના શેડના બાંધકામમાં નિયમનું પાલન થયું ન હતું. માર્જિનની અને રોડની જગ્યા છોડી ન હતી. જેને પગલે અગાઉ નોટિસ અપાઈ હતી. ત્યારબાદ આજે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.