મોરબી – કચ્છ હાઇવે ઉપર નાગડાવાસ ગામના પાટિયા પાસે પંદર દિવસ પૂર્વે કાર પલ્ટી મારી જતા વેરાવળના પ્રોફેસરનું મૃત્યુ નિપજતા બનાવ અંગે મૃતકના પત્નીએ કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની ક્રિષ્નાબેન કૃષ્ણાચંદ્ર દ્વિવેદીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.26 મે ના રોજ તેમના પ્રોફેસર પતિ કૃષ્ણાચંદ્ર દ્વિવેદી ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના ઓર્ડર મુજબ કચ્છના ગાંધીધામ આદિપુર ખાતે આવેલ તોલાણી કોલેજમાં ઇન્સ્પેકશન માટે જીજે -03 – બીવાય – 2401 નંબરની ખાનગી ગાડીમાં જતા હતા ત્યારે કાર ચાલક આરોપી ગૌરાંગભાઈ ભીખાભાઈ મજેઠીયા રહે.ગડુ, માળીયા હાટીના, જૂનાગઢ વાળાએ કાર ફૂલ સ્પીડમાં ચલાવી નાગડાવાસ ગામના પાટિયા પાસે કાર પલ્ટી મરાવી દેતા પ્રોફેસર કૃષ્ણાચંદ્ર દ્વિવેદીનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.