મોરબી : સતવારા સમાજની વર્ષો જૂની પરંપરા અને રિવાજ પ્રમાણે આજે 150 જેટલા સતવારા સમાજના નવપરણિત વરરાજાઓએ એક સાથે મળીને શક્ત શનાળા સ્થિત શક્તિ માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. સતવારા સમાજમાં વડિલોના સમયથી એટલે કે વર્ષોથી એક પરંપરા છે. જેમાં ગત ભીમ અગિયારસથી આ વર્ષની ભીમ અગિયારસ સુધી જેટલા પણ નવપરણિત વરરાજા હોય તેઓ સાથે મળીને આજે જેઠ સુદ પૂનમના દિવસે સતવારા સમાજના આસ્થાનું કેન્દ્ર એવા શક્તિ માતાજીના મંદિરે દર્શન માટે આવે છે. જેમાં આજે 150થી વધુ વરરાજા એકઠાં થઈને રેલી સ્વરૂપે શક્તિ માતાજીના મંદિરે પહોંચ્યા હતા અને માતાજીના દર્શન કરી પ્રસાદ ધરીને આશીર્વાદ લીધા હતા.
લખનભાઈ હડીયલે જણાવ્યું હતું કે, માધાપર, વજેપર, વાઘપરા અને શક્તિધામ ગામના ગયા વર્ષની ભીમ અગિયારસથી આ ભીમ અગિયારસ સુધી જેટલા નવપરણિત વરરાજા છે તેઓ આજે શક્ત શનાળા સ્થિત શક્તિ માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. આ વર્ષે તમામ વરરાજા એકઠાં થઈને રેલી સ્વરૂપે શક્તિ માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા હતા.

