અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા છે. હાલ સુધી 204 જેટલા મૃતદેહ મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ મૃત્યુઆંક હજુ પણ વધુ હોવાના અહેવાલો મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ બહાર ડીએનએ સેમ્પલ આપવા માટે પરિવારજનોની કતારો લાગી છે. વધુમાં સાંજે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું પ્લેન અમદાવાદના મેઘાણીનગરમાં તૂટી પડ્યું હતું. આ પ્લેનમાં 242 લોકો સવાર હતા. પ્લેન ઉડાન ભર્યાના થોડી મિનિટો પછી જ ક્રેશ થયું હતુ. આ અકસ્માતને ચાલુ દાયકામાં વિશ્વનો સૌથી ખરાબ ઉડ્ડયન અકસ્માત માનવામાં આવી રહ્યો છે. વિમાન બપોરના સમયે એરપોર્ટની બહાર રહેણાંક વિસ્તારમાં મેડિકલ કોલેજ હોસ્ટેલ ઉપર પડ્યું હતું.
સમાચાર સંસ્થા રોઇટર્સના અહેવાલમાં જણાવાયુ છે કે અમદાવાદ પોલીસ કમિશનરે જી.એસ. મલિકે જણાવ્યું હતું કે ક્રેશ સ્થળ પરથી 204 મૃતદેહો મળી આવ્યા છે. જો કે ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે પોલીસને ટાંકીને કહ્યું હતું કે વિમાનમાં સવાર તમામ 242 લોકો મૃત્યુ પામ્યા છે. મલિકે કહ્યું કે જે મૃતદેહો મળી આવ્યા છે તેમાં મુસાફરો અને જમીન પર માર્યા ગયેલા બંનેનો સમાવેશ થઈ શકે છે. રાજ્યના આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ માટે સંબંધીઓને ડીએનએ નમૂના આપવા માટે કહેવામાં આવ્યું છે.
હાલ ડીએનએ ટેસ્ટ માટે મૃતકોના પરિવારજનોએ સિવિલમાં કતારો લગાવી છે. બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી ગયા છે. તેઓએ મુખ્યમંત્રી સહિતના નેતાઓ અને અધિકારીઓ પાસેથી તમામ માહિતી મેળવી હોવાનું જાણવા મળી રહ્યું છે.


