ટંકારા તાલુકામાં અમુક તલાટી કમ મંત્રીઓ સરકારી ફરજ બજાવવાને બદલે ખાનગી ઓફીસ ખોલી રેવન્યુ સહિતના કામોની છેલ્લા ઘણા સમયથી પ્રેક્ટીસ કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે ટંકારા બાર એસોસિએશન દ્વારા મામલતદારને રજુઆત કરવામાં આવી છે. જેમાં એવું પણ જણાવાયુ છે કે જવાબદાર તંત્ર આંખ મિચામણા કરી રહ્યા હોવાનુ તેઓની બેરોકટોક ધમધમતી દુકાનોથી ફલિત થાય છે. વકીલો તેઓના અસીલની જે કામગીરી કરે છે તે તમામ પ્રકારના કાર્ય તલાટી કમ મંત્રીઓ સરકારી ફરજ નેવે મુકી કરતા હોય જે બંધ કરાવા અને શિક્ષાત્મક પગલા લેવામાં આવે તેવી માંગણી છે.
વધુમાં રજુઆતમાં જણાવાયુ છે કે ટંકારા તાલુકા પંચાયત કચેરી સામે જ ટંકારા તાલુકાના જુદા જુદા ગામડાઓમાં ફરજ બજાવતા અમુક તલાટી કમ મંત્રીઓ પોતાના અંગત માણસને બેસાડી છેલ્લા ઘણા સમયથી બેરોકટોક પ્રેક્ટીસ કરી રહ્યા છે. આ તલાટી કમ મંત્રીઓ સરકારનું કામ કરી પોતાને સોપાયેલ ફરજમા નિષ્ઠા દાખવવાને બદલે ખાનગી કામોને અગ્રતા આપી સરકારની તિજોરીને નુકશાન પહોંચાડી ખોટો પગાર મેળવી રહ્યા છે. અને ખાનગી ઓફીસ ચલાવી પગાર કરતા અનેકગણી આવક મેળવી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. સરકાર તરફથી નિમણુંક પામી આ તલાટી કમ મંત્રીઓ ખાનગી ઓફીસ અને ખાનગી કામ કરી ખુબ આર્થિક સુખી સંપન્ન થઈ ગયા હોય આ તમામની નોકરીના સમયગાળાના પગારની ગણતરી કરી તેઓની સ્થાવર જંગમ મિલકતોની તપાસણી કરવાની પણ માંગ છે. આ તલાટી કમ મંત્રીઓ ખાનગી હાટડી ચલાવીને વારસાઈ આંબા, વારસાઈ એન્ટ્રી, હક કમી -વહેચણી, સુધારા વધારાના કાર્ય, નાની મોટી અપીલના કામો, ગ્રામ્ય વેચાણ વ્યવહારના દસ્તાવેજ અને નોંધ, જન્મ મરણ સહિતના અનેક કામકાજને ખાનગી સમજીને કરી રહ્યા છે.
જો તલાટી કમ મંત્રીઓ આવી ખાનગી કામગીરી કરવા લાગશે તો કાયદાનો અભ્યાસ કરી ડિગ્રી મેળવી સનદ મેળવનારા જુનિયર વકિલોના પેટ ઉપર લાત મારવા જેવુ થશે. આ માંગણી પરત્વે દિવસ ૧૫માં તલાટી કમ મંત્રીઓની ખાનગી કામગીરી બંધ નહીં થાય તો આ મુદ્દે બાર એસોસિયેશન ટંકારા દ્વારા સરકારમા ઉચ્ચ કક્ષાએ ફરીયાદ કરી કાર્યવાહી કરવા અને આકરા પગલા લેવાની ફરજ પડશે.