2018માં જમીનના ડખ્ખાંમાં 12 આરોપીઓએ ખેલ્યો હતો લોહિયાળ જંગ, એક આરોપીનું જેલવાસ દરમિયાન જ મોત થયું
મોરબી : મોરબીના ઇતિહાસમાં એકસાથે 11 જેટલા આરોપીઓને કોર્ટે આજીવન જેલની સજા ફટકારી હોય તેવો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોરબીના વજેપર વિસ્તારની જમીનના ડખ્ખામાં 2018ની સાલમાં 12 શખ્સોએ લોહિયાળ જંગ ખેલીને ત્રણ વ્યક્તિની લોથ ઢાળી દીધી હતી. આ ચકચારી ત્રિપલ મર્ડર કેસ આજે મોરબીની ડિસ્ટ્રીકટ કોર્ટેમાં ચાલી જતા સરકારી વકીલની ધારદાર દલીલો અને સજ્ડડ પુરાવાને ધ્યાને લઈને કોર્ટે 11 આરોપીઓને દોષિત ઠેરવી આ તમામને આજીવન કેદની સજા ફટકારી છે. જો કે જેલવાસ દરમિયાન એક આરોપીનું મોત નીપજ્યું હતું.
મોરબીના વજેપર ગામે સર્વે નં.1086ની 32 વિઘા જમીનની તકરારને લઈને તા.12 ઓગસ્ટ 2018ના રોજ રાત્રીના સમયે 12 શખ્સોએ 6 બાઇક ઉપર આવીને છરી, ધોકા, તલવાર સહિતના હથિયાર વડે હુમલો કરી દિલાવરભાઈ પઠાણ, અફઝલભાઈ પઠાણ અને મોમીનભાઈ પઠાણની હત્યા કરી હતી. આ બનાવને લઈ મોરબી તાલુકા પોલીસે વસિમ મહેબુબભાઈ પઠાણની ફરિયાદના આધારે ભરત નારણભાઈ ડાભી, જયંતિ નારણભાઈ, અશ્વિન જીવરાજભાઈ, ભરત જીવરાજભાઈ, ધનજી મનસુખભાઇ, કાનજી મનસુખભાઈ, શિવાભાઈ રામજીભાઈ, મનસુખ રામજીભાઈ, જીવરાજ રામજીભાઈ, પ્રવીણ શીવાભાઈ, કિશોર શિવાભાઈ ડાભી, સંજય નારણભાઈ ડાભી સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજી તરફ સંજય નારણ ડાભી દ્વારા ક્રોસ ફરિયાદ પણ નોંધાવામાં આવી હતી. જો કે તે ફરિયાદના આરોપી તમામ મરણ જનાર હતા. વધુમાં 12 આરોપી સામેનો ત્રિપલ મર્ડર કેસ ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતાસ રકારી વકીલ વી.સી.જાનીની ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાને લઇ કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. જેમાં 12 પૈકીના એક આરોપી શિવાભાઈનું જેલવાસ દરમિયાન મૃત્યુ થયું હતું. એટલે બાકીના 11 આરોપીઓને કોર્ટે તકસીરવાન ઠેરવીને તમામને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે તમામ આરોપીઓને રૂ.50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડની રકમમાંથી ત્રણેય મૃતકના પરિવારને રૂ.2-2 લાખનું વળતર આપવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે.
