મોરબી : માનવધર્મના સુચવ્યાનુસાર રક્તદાન, ચક્ષુદાન, ત્વચાદાન તેમ જ હદય, કીડની, યકૃત, સ્વાદુપીંડ વગેરે અવયવોનું દાન કરવાથી માનવજાતની સર્વશ્રેષ્ઠ સેવા થઈ શકે છે. અનાજથી કોકની એકાદ ટંકની પેટની આગ બુઝાઈ શકે. જ્યારે રક્તદાન, ચક્ષુદાન, ત્વચાદાન કે અંગદાનથી કોકની જીન્દગી બચી જાય છે. દોસ્તો, કુદરતે સૌના હાથ પગ સરખા બનાવ્યા પણ લોહી દરેકને જુદું જુદું આપ્યું. એનો સુચીતાર્થ એ હોઈ શકે કે માણસે લોહી માટે પણ માણસ જોડે પ્રેમભાવનો સમ્બન્ધ ટકાવી રાખવો પડશે. યાદ રહે ન ફક્ત એક માના બે દીકરા વચ્ચે પણ પ્રત્યેક માણસ વચ્ચે ‘લોહીનો સમ્બન્ધ’ છે. કારણ કે ગમે તેવા પરમ શ્રદ્ધાળુને પણ માંદગીમાં લોહીની જરુર પડે છે ત્યારે તે મંદિરનાં નહીં બ્લડબેંકના પગથીયાં ચઢે છે.
મંદિરનાં વાતાવરણથી થોડીક શાંતી મળી શકે..લોહી તો માણસ પાસેથી જ મળી શકે… કદાચ તમે પહેલા ક્યારેય એ વાત પર ધ્યાન નહીં આપ્યું હોય કે તમારી લોહીના થોડાં ટીપાં પણ કોઇને જીવન બક્ષી શકે છે. દર બીજી સેકન્ડે દુનિયાભરમાં કોઇ ને કોઇ જિંદગી મોત સામે ઝઝૂમતી રહે છે, આવામાં તમારું લોહી કોઇને જીવનદાન આપી શકે છે. મોટાભાગના લોકો રક્તદાન એટલા માટે નથી કરતાં કારણ કે તેમણે રક્તદાનને લઇને પોતાના મનમાં ખોટી ધારણાઓ બાંધી રાખી હોય છે. તેમણે જાણી લેવું જોઇએ કે રક્તદાન સંપૂર્ણપણ સુરક્ષિત હોય છે. પણ હા, રક્તદાન પહેલા અને બાદમાં તમારે કેટલીક સામાન્ય બાબતોનું ધ્યાન અચૂક રાખવાનું હોય છે. આપણે પોતે કે આપણા પ્રિયજનોમાંથી કોઇપણ, ગમે ત્યારે દુર્ઘટનાનો શિકાર બની શકે છે. આવામાં બની શકે છે કે તમારી લોહીના ટીપાં કોઇનું જીવન બચાવી જાય… માનવજીવનની એ જ ખાસીયત છે. વીચારો જુદાં હોય શકે, સ્વભાવ જુદો હોય શકે, લોહી જુદું હોય શકે પણ સૌની જીવનલક્ષી સમસ્યાઓ સરખી હોય છે. એથી ઉત્તમ એ જ કે સંસારમાં સૌ જોડે ભાઈચારાથી જીવીએ… એમ થશે તો ઈશ્વરના અવતર્યા વીના પણ દુનીયામાં સ્વર્ગ સ્થાપી શકાશે.
બધી વાતનો કુલ સરવાળો એટલો જ કે માણસ વચ્ચે બ્લડગ્રુપ ભલે જુદું હોય મનગ્રુપ એક હોવું જોઈએ. ધર્મસંપ્રદાયો ભલે જુદાં હોય સજ્જનતા, માનવતા અને ઈમાનદારીના ગ્રુપ એક હોવા જોઈએ. માનવધર્મનો ફેલાવો વધશે તે દીવસે ધરતી પર લોહી પીનારાઓ કરતાં આપનારાઓની સંખ્યા વધી જશે! તમારે જીવન બચાવવા માટે ડોક્ટર બનવાની જરૂર નથી, તમે રક્ત દાન કરીને પણ જીવન બચાવી શકો છો..રક્તદાન કરો અને તમારા મિત્રો અને સંબંધીઓ ને પણ આના માટે પ્રેરિત કરો..ખરા અર્થમાં કહું તો “લોહીમાં છે માનવતા” રક્તદાન કરીને રાષ્ટ્રીય એકતા વધારીએ .. ઈશ્વર એ આપેલ અમૂલ્ય જીવનને સાર્થક કરીએ. જયહિંદ .. – ડો .દેવેન રબારી ( યંગ ઇન્ડિયા ગ્રુપ )

