ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પીછો કરતા ડ્રાઇવર ટ્રક મૂકીને પલાયન, દારૂ મોકલનાર-મંગાવનારની શોધખોળ
મોરબી : મોરબીમાં બે દિવસથી ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસની ઓપરેશન વિદેશી દારૂની કાર્યવાહીમાં નાના નાના દારૂના જથ્થા બાદ હવે મોટો દારૂનો જથ્થો પણ ઝડપાયો હતો. જેમાં મોરબી એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે મોરબીના શનાળા નજીક હાઇવે પર વિદેશી શરાબ ભરેલો ટ્રક પકડી લેવા વોચ ગોઠવી હતી. પણ ટ્રક ચાલક પોલીસને જોઈ જતા ટ્રક ભગાડી મુકતા પોલીસે પણ ટ્રકનો પીછો કરતા પકડાઈ જવાની બીકે અંતે ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકીને પલાયન થઈ ગયો હતો. બાદમાં પોલીસે ટ્રકમાં કોલસાની ભૂકીની આડમાં છુપાવેલો રૂ.૮૯.૩૨ લાખનો દારૂનો ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને આજે ચોક્કસ બાતમી મળી હતી કે, કંડલા બાયપાસથી રાજકોટ તરફ જનાર એક ટાટા ટ્રક નંબર- જીજે ૧૦ ઝેડ ૭૮૨૨માં કોલસાની બોરીઓની નીચે વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. આ દારૂ ભરેલો ટ્રક મોરબીના શનાળા ગામ પાસે આવેલ રાજપર ગામ તરફ જવાના રસ્તેથી પસાર થવાનો હોવાની બાતમીના આધારે ત્યાં પોલીસ ચોકી સામે રોડ ઉપર એલસીબી સ્ટાફે વોચ ગોઠવી હતી. તે સમયે એ નંબરનો ટ્રક નિકળતા તેને પોલીસે તેને અટકવવાનો પ્રયત્ન કર્યો પણ ટ્રક ચાલકે પોલીસને પારખી જતા ટ્રક હંકારી મુક્યો હતો. આથી આ દારૂ ભરેલા ટ્રકને ઝડપી લેવા પોલીસે ખાનગી તથા સરકારી વાહનમાં આ ટ્રકનો પીછો કરતા ટ્રક ચાલકે થાકી હારીને અંતે શનાળા ગામથી આગળ રાજકોટ તરફ જતા હાઇવે રોડ ઉપર મેડીકલ કોલેજની સામે ટ્રક રેઢો મુકી ફરાર થઇ ગયો હતો. બાદમાં પોલીસે આ ટ્રકની તલાશી લેતા કોલસાની ભુકી બોરીઓ હેઠળ વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૬૬૯૬ કિ.રૂ.૮૯,૩૨,૮૦૦ નોદારૂ અને ટ્રક મળી કુલ રૂ.૧,૦૯,૩૨,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી ટ્રક ડ્રાઇવર, ટ્રક માલિક, ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી આપનાર ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર સહિતના આરોપીઓની ભાળ મેળવવા તપાસ આદરી છે.

