મોરબી : મોરબી શહેરમાં છેલ્લા ચારેક દિવસમાં અલગ અલગ ચાર સ્થળેથી મોટર સાયકલ અને બાઇકની ચોરી થતા સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે વાહન ચોરી અંગે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.
વાહન ચોરીના બનાવમાં મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે સાવસર પ્લોટમાં સાગર હોસ્પિટલ પાસેથી રવાપર રોડ ઉપર રહેતા દુર્લભજીભાઈ શિવાભાઈ કાવરનું રૂપિયા 40 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. તેમજ જુના બસસ્ટેન્ડ પાસે આવેલ ગેબનશા પીરની દરગાહ પાસેથી ફરિયાદી વિપુલ વિનોદભાઈ કુબાવતની માલિકીનું રૂ.60 હજારની કિંમતનું એક્ટિવા મોટર સાયકલ કોઈ અજાણ્યો ઇસમ તા.13ના રોજ ચોરી કરી જતા સીટી એ ડિવિઝન પોલીસે વાહન ચોરી અંગે ગુન્હો રજીસ્ટર કર્યો હતો.
આ ઉપરાંત મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર ગોલાબજારમા હોન્ડા શોરૂમ પાછળથી કોઈ અજાણ્યો તસ્કર ફરિયાદી વિશાલ દિનેશભાઇ ચીખલીયા રહે.રવાપર રોડ વાળાનું રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક ચોરી કરી ગયો હતો. આ ઉપરાંત પાડાપૂલ નીચેથી કાંતિનગરમાં રહેતા અનવરભાઈ ઉર્ફે દડી હાજીભાઈ માલાણીનું રૂપિયા 35 હજારનું બાઈક ગત તા.13 જુનના રોજ કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી જતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.