મૃતક યુવાને ગઈકાલે ગાળો બોલવાના પ્રશ્ને પાડોશીઓ સાથે મારામારી કર્યાની ફરિયાદ નોંધાઈ હતી
મોરબી : મોરબીની લીલાપર ચોકડી નજીક વજેપરમા રહેતા દલવાડી સમાજના યુવકની હત્યા કરી નાખવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. નોંધનીય છે કે, મૃતક વિરુદ્ધ ગઈકાલે પાડોશમાં રહેતા મહિલા અને તેણીના સાસુ-સસરા સાથે ગાળો બોલવા મુદ્દે ઝઘડો થયો હતો અને કારમાં નુકશાન અંગે ફરિયાદ પણ નોંધાઈ હતી.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા ગિરીશ નારણભાઇ કણઝારીયાની બપોરના સમયે લીલાપર ચોકડી નજીક હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હાલમાં યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડી ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે. નોંધનીય છે કે, મૃતક ગિરીશ નારણભાઇ કણઝારીયા વિરુદ્ધ જાહેરમાં ગાળો બોલવા મામલે વજેપરમા પાડોશમાં જ રહેતા હિરલબેન તેમજ તેમના સાસુ, સસરાને ગાળો આપી ઢીકા પાટુનો માર મારી પથ્થરના છુટા ઘા મારવા તેમજ કારમાં નુકશાન અંગે ફરિયાદ નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે. જૂની અદાવતમાં યુવકની હત્યા થઇ હોવાનું હાલમાં સૂત્રો જણાવી રહ્યા છે.



