મોરબી : માળીયા મિયાણા પોલીસે હરિપર ઓવરબ્રિજ નજીક વાહન ચેકીંગ શરૂ કરતા વિદેશી દારૂ – બિયરનો જથ્થો ભરેલી કાર રેઢી હાલતમાં મળી આવતા પોલીસે પાંચ લાખની કાર તેમજ 3 લાખથી વધુ કિંમતના દારૂ – બિયરના જથ્થા સાથેની કાર ઝડપી લીધી હતી. જો કે, પોલીસ ચેકીંગ કરી રહી હોવાની ગંધ આવી જતા કાર ચાલક કાર રેઢી મુકી નાસી ગયો હતો.
હળવદ તરફથી વિદેશી દારૂ ભરી કાર ચાલક કચ્છ તરફ જઇ રહ્યો હોવાની સચોટ બાતમીને આધારે માળીયા મિયાણા પોલીસે હરિપર ઓવરબ્રિજ પાસે હાઇવે બ્લોક કરી વાહન ચેકીંગ શરૂ કરતા જ જીજે – 09 – બી – 3021 નંબરની કારનો ચાલક કાર રેઢી મૂકી નાસી ગયો હતો.પોલીસે કાર ચેક કરતા કારમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 242 બોટલ કિંમત રૂપિયા 2,65,000 તેમજ બિયર ટીન 552 કિંમત રૂપિયા 1,21,440 તેમજ એક મોબાઈલ મળી આવતા પોલીસે 5 લાખની ક્રેટા કાર સહિત કુલ રૂપિયા 8,91,440 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલા કાર ચાલક વિરુદ્ધ કાર નંબરના આધારે ગુન્હો રજીસ્ટર કરી તપાસ શરૂ કરી છે.
