ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના ધ્રુવનગર નજીક ટ્રક ચાલકે રોડ ઉપર પસાર થતા ઘેટા – બકરાના સમુહને હડફેટે લઈ અકસ્માત સર્જતાં આ અકસ્માતમાં 21 ઘેટા અને એક બકરીનું મૃત્યુ થતા ધ્રુવનગર ગામના પશુપાલકે ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારાના ધ્રુવનગર ગામે રહેતા સામતભાઈ જીવણભાઈ ઝાપડાએ જીજે – 03 – બીવાય – 7167 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે સવારે સાડા આઠેક વાગ્યે તેઓ ઘેટા બકરા ચરાવવા જતા હતા ત્યારે ધ્રુવનગર નજીક ઉપરોક્ત ટ્રક ચાલકે ગફલતભરી રીતે પોતાનો ટ્રક ચલાવી ઘેટા બકરાને હડફેટે લેતા 21 ઘેટા તેમજ એક બકરીનું મૃત્યુ નિપજ્યુ હતું. સાથે જ બાકીના 23 ઘેટા અને એક બોકડાને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા અન્ય તમામ જીવ અપંગ બની ગયા જતા રૂપિયા 60થી 65 હજારનું નુકશાન પહોંચ્યું હતું. ઘટના અંગે ટંકારા પોલીસે સામતભાઈની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.