મોરબી ટ્રાફિક પોલીસે હમણાંથી ટ્રાફિકના નિયમોની કડક અમલવારી શરૂ કરીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવવા ખાસ ડ્રાઇવ કરી હતી અને સમગ્ર ટ્રાફિક સ્ટાફે વિવિધ ટ્રાફિક પોઇન્ટ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરીને ટ્રાફિકને અડચણરૂપ વાહનોના ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મોરબીમાં દરેક પ્રકારના વાહનો રોકેટ ગતિએ વધતા માર્ગો સાંકડા પડતા હોવાથી અનેક માર્ગો ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો કાયમી સર્જાતા આ ટ્રાફિકની સમસ્યા હલ કરવા મોરબી ટ્રાફિક પોલીસના પીઆઇ એચ.વી.ઘેલા સહિતના ટ્રાફિક સ્ટાફે ખાસ ઝુંબેશ ચલાવી હતી. ખાસ કરીને સ્કૂલે વાહનો લઈને જતા 18 વર્ષથી નીચેના બાળકો અને સ્કૂલ વાહનોમાં વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ઠાંસીને ઠાંસીને બેસાડતા હોવાથી ટ્રાફિક પોલીસે આ બાબતે ત્રણ દિવસની ખાસ ડ્રાઇવ કરીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા સગીર વયના બાળકોના વાલીઓ સામે તેમજ સ્કૂલ વાહનો સામે કડક કાર્યવાહી કરી હતી. ત્યારે હવે શહેરના વિવિધ પોઇન્ટ ઉપર ટ્રાફિકને અડચણરૂપ બનતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા ટ્રાફિક પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. જેમાં ગઇકાલે તારીખ 21 જૂનના રોજ મોરબી શહેરમાં ટ્રાફિક ટીમના પીઆઈ એચ.વી.ઘેલા, પી.એસ.આઈ ઠક્કર, પી.એસ.આઈ સોમૈયા, પી.એસ.આઈ અબડા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી ટ્રાફિકને અડચણરૂપ બનતા વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને 22 વાહન ચાલકોને રૂપિયા 11000નો દંડ કરવામાં આવ્યો હતો. સાથોસાથ જાગૃતતા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.


