મોરબીમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સરકાર માર્ગદર્શન હેઠળ વાહકજન્ય રોગચાળા અટકાયત અને નિયંત્રણ પ્રવૃત્તિના આગોતરા આયોજનના ભાગરૂપે જૂન માસની ‘મેલેરીયા વિરોધી માસ’ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન વાહકજન્ય રોગચાળો જેમાં મેલેરીયા ડેન્ગ્યુ અને ચિકનગુનીયા જેવા રોગોનો ઉપદ્રવ જોવા મળતો હોય છે જેના અટકાયતી પગલા તરીકે આ ઉજવણી કરવામાં આવી રહી છે.
ચાલુ વર્ષ જૂન માસમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ અને જિલ્લા મેલેરીયા અધિકારી ડો. વિપુલ કારોલીયાના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં પણ મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત દરમિયાન વાહકજન્ય રોગચાળા અટકાયત અને નિયંત્રણની રોજીંદી પ્રવૃતિ કરતાં વધુ વેગ સાથે અભિયાન સ્વરૂપે કરવામાં આવે છે. જિલ્લાના જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અર્બન હેલ્થ સેન્ટર્સ દ્વારા તેમના વિસ્તારમાં આરોગ્ય કર્મચારીઓની ટીમ્સ દ્વારા પ્રચાર-પ્રસારના વિવિધ માધ્યમો દ્વારા વાહકજન્ય રોગોથી બચવા લોકોએ શું તકેદારી રાખવી તે બાબતે જન જાગૃતિ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ સર્વેલન્સ કામગીરી દરમિયાન મચ્છરની ઉત્પતિ અટકાવવા આજ દિન સુધી કુલ 203401 ઘરની મુલાકાત લઈને 744914 પાણીના પાત્રોની તપાસણી કરવામાં આવી અને આ પાત્રોમાં મચ્છરના પોરા ઉત્પન્ન થતાં અટકાવવાની પ્રવૃતિઓ કરવામાં આવી છે. ઘર કે ઘરની આજુ બાજુ નકામા કાટમાળ, ટાયર, ભંગાર, નાળિયેર ની કાચલીઓ વગેરે જેવા ચોમાસામાં પાણી ભરાય તેવા કુલ 8999 પાત્રો અને વસ્તુઓનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. ઉપરાંત આ અભિયાન દરમિયાન ના કુલ 4019 વ્યક્તિઓના લોહીના નમૂના લઈને મેલેરીયાની તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે.
મોરબી જિલ્લાના લોકોએ મચ્છરજન્ય રોગોથી બચવા માટે ઘર વપરાશના પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવા, સાંજના સમયે બારી બારણાં બંધ રાખવા, મચ્છરદાન માં સૂવાનો આગ્રહ રાખવો, મચ્છર કરડે નહી તે માટે આખું શરીર ઢંકાઇ જાય તેવા કપડાં પહેરવા, ઘરની આજુ બાજુ બંધિયાર પાણીને વહેતું કરી દેવા વગેરે તકેદારી રાખવા તેમજ તાવના લક્ષણો જણાય તો નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ દ્વારા અપીલ કરવામાં આવી છે.


