મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા, ગીરીશભાઈ કોટેચા વગેરેએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને મોરબી તાલુકા સેવા સદનમાં અરજદારોને સ્ટેમ્પ પેપર મળી રહે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે.
સામાજિક કાર્યકરોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી તાલુકા સેવા સદનમાં આવતા અરજદારોને સોગંદનામા કરવા માટે સ્ટેમ્પ પેપરની જરૂર પડતી હોય તો રૂમ નંબર 18માં જતા હોય છે. પરંતુ રૂમ નંબર 18 છેલ્લા એક વર્ષથી બંધ છે. તેથી અરજદારોને વધુ રૂપિયા આપીને બહારથી સ્ટેમ્પ પેપર લેવા પડે છે. તેથી તાત્કાલિક ધોરણે સેવા સદનમાં સ્ટેમ્પ પેપર મળી રહે તેવી સુવિધા કરવામાં આવે. કચેરીમાં સ્ટેમ્પ પેપર કાઢવાનું શક્ય ન હોય તો સામાકાંઠે આવેલી પોસ્ટ ઓફિસમાંથી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. આ અંગે અગાઉ પણ કલેક્ટરને રજૂઆત કરાઈ હતી પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જો સ્ટેમ્પ પેપરની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ના છુટકે મુખ્યમંત્રીને રજૂઆત કરવાની ફરજ પડશે તેમ જણાવાયું હતું.