મયુર રાવલ હળવદ: હળવદ – પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના મહત્ત્વ અંગે જનજાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે “જુના અમરાપર શાળા” દ્વારા “મારું વૃક્ષ, મારું ગૌરવ” અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત, વિધાથીર્ઓને વૃક્ષારોપણ કરવા અને રોપેલા વૃક્ષોની જવાબદારીપૂર્વક સંભાળ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જેથી દરેક વૃક્ષ માત્ર એક છોડ નહીં, પરંતુ એક ગર્વ અને ભવિષ્યની આશાનું પ્રતિક બની રહે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ બાળકોને પ્રકૃતિ સાથે જોડવાનો અને પર્યાવરણ પ્રત્યે તેમની જવાબદારીનું ભાન કરાવવાનો છે. “મારું વૃક્ષ, મારું ગૌરવ” હેઠળ દરેક વ્યક્તિ પોતાના દ્વારા રોપવામાં આવેલા વૃક્ષને “પોતાનું” ગણી તેની કાળજી લેશે, તેને પાણી આપશે અને તેનું જતન કરશે. આનાથી વૃક્ષોના ઉછેરનો દર વધશે અને પર્યાવરણમાં હરિયાળીનું પ્રમાણ વધશે.
ગામના સરપંચ જેસીંગભાઈ ટાંક એ જણાવ્યું કે”આપણા સૌની નૈતિક ફરજ છે કે આપણે આવનારી પેઢી માટે સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ પૂરું પાડીએ. ‘મારું વૃક્ષ, મારું ગૌરવ’ અભિયાન એ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. અમે આશા રાખીએ છીએ કે આ અભિયાન સમાજના દરેક વર્ગમાં પર્યાવરણ પ્રત્યે સકારાત્મક પરિવર્તન લાવશે.” આ વૃક્ષારોપણ શાળા અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો હતો. જેમાં શાળાના શિક્ષકો, તલાટી કમ મંત્રી, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ ભાગ લીધો હતો. શાળાના આચાર્યના જણાવ્યા મુજબ આપણે સૌ સાથે મળીને એક સ્વસ્થ અને હરિયાળા ભવિષ્યનું નિર્માણ કરીએ.



