મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં બે દિવસ પૂર્વે રાત્રીના સમયે વીસીપરા વિસ્તારમાં આવેલ ગુલાબનગરમાં ઘર પાસે બેસવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં બે પરિવારો ધોકા, પાઇપ, તલવાર, કુહાડી, છરી સહિતના હથિયાર સાથે સામસામે આવી જતા બન્ને પક્ષના લોકોને ઇજાઓ પહોંચી હોય આ ઘટનામાં સામસામી ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના વીસીપરામાં ગુલાબનગરમાં રહેતા જીગ્નેશભાઈ ઉર્ફે કાનો ગોવિંદભાઇ રાવાએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી (1) દાઉદભાઈ ઉમરભાઈ જામ (2) રાયધન દાઉદભાઈ જામ (3) નઝમાબેન ઉમરભાઈ જામ (4) અમિનાબેન ઉમરભાઈ જામ (5) લતીફ દાઉદભાઈ જામ (6) દાઉદભાઈનો ભાણેજ નવાબ અને (7) જાવેદ મેમણ રહે. તમામ વીસીપરા વાડી વિસ્તાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓએ ફરિયાદી જીજ્ઞેશભાઈને ઘર સામે નહી બેસવા ઠપકો આપેલ અને બોલાચાલી થયેલ તે બાબતનો ખાર રાખી સાતેય આરોપીઓએ એકસંપ કરી છરી, ધારીયા, બેઝ બેલના ધોકા, લોખંડના પાઇપ જેવા હથીયાર વડે હુમલો કરી સાહેદ કુંવરબેન, ગોવિંદભાઈ, બાબુભાઈ અને મહેશભાઈને ઇજા પહોંચાડી તેમજ વિજયભાઈને માથાના ભાગે ઇજા પહોચાડી મકાનના બારણામા, રીક્ષા તથા મોટર સાયકલમાં તોડફોડ કરી નુકશાન પહોંચાડતા તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામાપક્ષે ફરિયાદી દાઉદભાઈ ઉમરભાઈ જામે આરોપી (1) જીજ્ઞેશ ઉર્ફે કાનો ગોવિંદભાઈ ભરવાડ (2) વિજય ગોવિંદભાઈ ભરવાડ (3) મહેશ ગોવિંદભાઈ ભરવાડ અને (4) બાબુ ગોવિંદભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપીને તેમના ઘર સામે ન બેસવા ઠપકો આપેલ હોવાથી આ બાબતનો ખાર રાખી ફરિયાદી આરોપીઓના ઘર પાસે જતા આરોપી જીગ્નેશે કુહાડીવતી આંખની નેણ ઉપર ગાલ ઉપર ઇજા પહોંચાડી હતી તેમજ સાહેદ રાયધનને લોખંડનો પાઈપ વાંસામા મારી મુંઢ ઇજા પહોંચાડી હતી. સાથે જ આ ઝઘડામાં આરોપીઓએ સાહેદ નઝમાબેન ઉમરભાઈ જામ અને સાહેદ અમીનાબેનને કુહાડી વતી કાનના ભાગે તથા માથાના ભાગે તથા હાથે ઇજા પહોંચાડતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.