વિચિત્ર અકસ્માતમાં સ્થળ પર જ પિતાનો હાથ કપાઈ ગયા બાદ હવે તેના પુત્રએ પણ સારવાર દરમિયાન દમ તોડી દીધો
મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝથી ત્રાજપર ચોકડી વચ્ચેના નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર બે રીક્ષા વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માતમાં એક યુવાનનો હાથ કપાઈ જવાની સાથે આ યુવાનના બે વર્ષના માસૂમ પુત્રને પણ ગંભીર ઇજા પહોંચ્યા બાદ મૃત્યુ નિપજતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મૂળ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાના વતની અને હાલમાં વાંકાનેરના સરતાનપર રોડ રાતાવીરડા ખાતે સોલારીસ સિરામિક ફેકટરીમાં રહેતા નેહાબેન પિન્ટુભાઈ બરનવાલ ઉ.30 નામના મહિલાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જીજે – 36 – યુ – 5114 નંબરના રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે હત તા.23 જુનના રોજ નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપર પાશ્વનાથ કોમ્પ્લેક્સ પાસે આરોપી રીક્ષા ચાલકે જીજે – 36 – ડબ્લ્યુ – 0673 નંબરની રીક્ષા સાથે અકસ્માત સર્જતા તેમના પતિ પિન્ટુભાઈનો હાથ કાપવો પડ્યો હતો. જ્યારે તેમના 2 વર્ષના પુત્ર આયુષનું ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.