મોરબીની આંબલીફળીમા વિચિત્ર ચોરીના બનાવમાં જાણભેદુની સંડોવણીની પ્રબળ શંકા
મોરબી : મોરબીના ખાટકી વાસ નજીક આવેલ આંબલીફળીમા રહેતા વૃદ્ધ નિત્યક્રમ મુજબ તેમના પુત્રના ઘેર સામાકાંઠા વિસ્તારમાં ભોજન કરવા ગયા બાદ પાછળથી રેઢા પડેલા ઘરમાં ઘુસી કોઈ જાણભેદું વ્યક્તિ તિજોરીના તાળા ખોલી રોકડ તેમજ દાગીના મળી રૂ.1.93 લાખની માલમતા ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં પરશુરામ સોસાયટીમાં રહેતા અને બેંકમાં રિકવરી એજન્ટ તરીકે કામ કરતા ઋષિરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ સીટી એ ડીવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.14ના રોજ આંબલીફળીમા રહેતા તેમના દાદા રઘુવીરસિંહ અજીતસિંહ ઝાલા નિત્યક્રમ મુજબ પરશુરામ સોસાયટી ખાતે જમવા માટે આવ્યા હતા ત્યારે આંબલીફળી વાળા ઘરને માત્ર આગળીયો લગાવી આવ્યા હતા. જે બાદ તા.15ના રોજ ઋષિરાજસિંહના પિતા ધર્મેન્દ્રસિંહ દાદાને મળવા ગયા હતા ત્યારે કબાટ ખોલીને જોતા કબાટમાંથી સોનાની એક લકી અને એક વિટી કિંમત રૂપિયા 73,500 તેમજ રોકડા રૂપિયા 1,20,000 કબાટમાં જોવા મળ્યા ન હતા. વધુમાં અજાણ્યા તસ્કરે ચોરી કરવામાં માસ્ટર કીનો ઉપયોગ કર્યો હોવાનું અને કબાટની ચાવી ઘરમાં પડી હોય ત્યાં જ પડી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરવામા આવ્યું છે. જેથી આ ચોરીના બનાવના જાણભેદુ વ્યક્તિની સંડોવણી હોવાનું હાલમાં સામે આવ્યું છે. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.