મોરબી : મોરબી જિલ્લાના યમરાજે મુકામ કર્યો હોય તેમ અલગ અલગ ચાર બનાવમાં બે મહિલા અને બે પુરુષોના અકાળે અવસાન થયા હતા. જેમાં વાંકાનેર તાલુકાના ખોડ ગામે બીમારી સબબ છ મહિનાનો ગર્ભ ધરાવતી ગર્ભવતી મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.
અપમૃત્યુના પ્રથમ કિસ્સામાં મોરબી તાલુકાના લગધીરપુર રોડ ઉપર આવેલ ઓકટીવા સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની સુનિલભાઈ માંગ્યાભાઈ પટેલિયા ઉ.19 નામનો યુવાન ફેકટરીના પતરા રીપેર કરવા માટે ગોડાઉન ઉપર ચડયા બાદ ઉપરથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.
બીજા બનાવમાં મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા મનીષાબેન જયસુખભાઈ રાઠોડ ઉ.60 નામના મહિલાએ ગત તા.26ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ગઈકાલે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. જ્યારે ત્રીજા બનાવમાં વાંકાનેર નેશનલ હાઇવે ઉપર હસનપર ઓવરબ્રિજ પાસે બાઈક ચલાવી પસાર થઈ રહેલા જીવણભાઈ દેવજીભાઈ મેસરિયા ઉ.46 રહે.નવાપરા વાંકાનેર વાળાનું કોઈ કારણોસર ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત ચોથા બનાવમાં હળવદ તાલુકાના ખોડ ગામે અમરાભાઈ રબારીની વાડીએ ખેત મજૂરી કરવા આવેલ મિતલબેન વિપુલભાઈ રાઠવા ઉ.21 નામની ગર્ભવતી મહિલાનું બીમારી સબબ મૃત્યુ નિપજતા ફોરેન્સિક પીએમમા શરીરમાં ચેપ લાગવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું અને મૃતકને છ મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.