હળવદના ચરાડવા મહાકાળી આશ્રમ, ધ્રાંગધ્રામાં મસાણની મેલડી માતાજી તથા વસ્તડી મેલડી માતાજીના મંદીરમાં એમ ત્રણ મંદિરમાં ચોરી કરનાર ચાર શખ્સોને એલસીબી ટીમે હળવદથી પકડી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીને બાતમી મળેલ કે હળવદમાં ફુલ જોગણી મેલડી માતાના મંદિરની બાજુમાં આવેલ ક્રિષ્નાપાર્કની સામે ખરાબામાં આવેલ મહેશ દેવીપુજકના ઝુપડામાં ચાર શખ્સો હાજર છે અને તેને હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં મંદિરમાંથી ચોરી કરેલ છે. જેથી ત્યાં દરોડો પાડતા ઝૂંપડામાંથી મહેશભાઇ રાજુભાઇ ધંધાણીયા, પરબતભાઇ નાજાભાઇ સરૈયા, પ્રતાપ ત્રિભોવનભાઇ ઉર્ફે તભાભાઇ દેવીપુજક અને ચેતનભાઇ ઉર્ફે ચેતલો પરબત ઉર્ફે પ્રભાત જાગરીયાને પકડી લેવામાં આવ્યા હતા.
આ ચારેયની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ ચરાડવા નજીક આવેલ મહાકાળી આશ્રમ ખાતે તથા ધ્રાંગધ્રામાં નદીના કાંઠે આવેલ મસાણની મેલડી માતાજીના મંદીરમાં તથા વસ્તડી ખાતે આવેલ સામાકાંઠા વાળા મેલડી માતાજીના મંદીરમાં દાન પેટીમાંથી રોકડા રૂપીયા તથા માતાજીને ચડાવેલ સોના તથા ધાતુના દાગીનાઓની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. વધુમાં પોલીસે રોકડ રૂ. ૪૫,૫૦૫, સોનાના દાગીના કિંમત રૂ.૪૪,૫૦૦ તથા એક કાર મળી રૂ.૨.૯૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી. પંડયા, પીઆઇ વી.એન. પરમાર, પીએસઆઈ બી.ડી. ભટ્ટ સહિતના રોકાયેલ હતા.
